પ્રાકૃતિક કૃષિ અભિયાન-૨૦૨૬: માતર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને નફાકારક પશુપાલન અંગે માર્ગદર્શન

માતર: આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ના બી-ટુ-સી (B2C) ઘટક હેઠળ જિલ્લા અંદરની તાલીમનું આયોજન તા. ૧૩ અને ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન માતર તાલુકાના દેથલી ગામ ખાતે કરવામાં આવ્યું હતું. તાલીમમાં માતર તાલુકાના આસપાસના ગામોના ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રાકૃતિક કૃષિ અને નફાકારક પશુપાલન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી અજીતસિંહ સોલંકીના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની વધતી જતી જરૂરિયાત અને મહત્વ અંગે માહિતી આપતાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની વિસ્તૃત જાણકારી ખેડૂતોને આપી હતી.

પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અંગે માર્ગદર્શન

તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. કૌશલભાઈ, આત્મા પ્રોજેક્ટના શ્રી અજીતભાઈ, બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી પ્રવીણભાઈ, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર તેમજ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ અને પ્રગતિશીલ ખેડૂતો શ્રી રાશિકભાઈ મણીભાઈ, શ્રી રમણભાઈ કાલુભાઈ પ્રજાપતિ તથા દેથલી ક્લસ્ટરના સીઆરપી શ્રી ઈશ્વરભાઈ દેવાભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તાલીમમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત તથા વિવિધ પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ અને તેના ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા તથા જમીનના સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરો અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

નફાકારક પશુપાલન અંગે પણ સમજ અપાઈ

ડૉ. કૌશલભાઈએ હાજર પશુપાલકોને નફાકારક પશુપાલન અંગે માર્ગદર્શન આપતાં પશુઓ માટે યોગ્ય રહેઠાણ, સંતુલિત પોષણ અને સમયસર રસીકરણના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી.આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ તથા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જમીનની ફળદ્રુપતા, જમીન વિજ્ઞાન સહિતના વિવિધ વિષયો અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહન

બે દિવસીય તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવી જમીનનું સ્વાસ્થ્ય જાળવવા, ખેતીના ખર્ચમાં ઘટાડો કરવા તથા ખેતી સાથે પશુપાલનને વધુ નફાકારક બનાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અંતે શ્રી પ્રવીણભાઈ, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર, માતર દ્વારા તાલીમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

  • Related Posts

    પ્રેમ, પરિવાર અને મૂળની શોધ: વર્ષો બાદ માતૃછાયાના આંગણે ફરી આવી દીકરી

    આણંદ: કેટલાક સંબંધો માત્ર લોહીના સંબંધોથી નહીં, પરંતુ પ્રેમ, લાગણી, વિશ્વાસ અને સંવેદનાના તાંતણે બંધાયેલા હોય છે. દત્તક સંબંધ પણ આવો જ સુંદર અને અનોખો સંબંધ છે, જે બાળકને પરિવાર…

    વસો તાલુકામાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ: વાંચનપ્રેમીઓને ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની અનમોલ ભેટ

    વસો: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ખેડા જિલ્લાના વસો તાલુકાની વાંચનપ્રેમી જનતાને અનમોલ ભેટરૂપે સરકારી તાલુકા ગ્રંથાલય, વસોનું લોકાર્પણ માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *