ખંભાત: ખંભાતના પાદરીયા વિસ્તારમાં તડીપાર આરોપીને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અનેક ગુનાઓમાં સંડોવાયેલો અને નવ જિલ્લાઓમાંથી તડીપાર કરાયેલો આરોપી અક્ષય ઉર્ફે લલ્લો ચુનારો પોલીસની પકડમાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રિના સમયે LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અક્ષય ઉર્ફે લલ્લો ચુનારો પાદરીયા વિસ્તારમાં એક મકાનમાં સંતાયેલો છે. બાતમીના આધારે LCBના પોલીસકર્મીઓ અને ખંભાત સિટી પોલીસ સ્ટેશનના જવાનો આરોપીને પકડવા માટે સ્થળ પર પહોંચ્યા હતા.પોલીસે જે મકાનમાં આરોપી સંતાયેલો હતો ત્યાંથી તેને ઝડપી પાડ્યો હતો અને બહાર લાવી રહી હતી. તે દરમિયાન અચાનક કેટલાક લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારાની આ ઘટનાનો લાભ લઈને આરોપી અક્ષય ઉર્ફે લલ્લો ચુનારો પોલીસની પકડમાંથી ફરાર થઈ ગયો હતો.
પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત
પોલીસ પર થયેલા પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે રાત્રિના સમયે સમગ્ર પાદરીયા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે 23 જેટલા લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
55 લોકો સામે ગુનો નોંધાયો
આ સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા 55 લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 189(2), 190, 191(2), 191(3), 121(1), 132, 221, 351(3), 352, 265 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.





