નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા બાળકની સુરક્ષા અને સંભાળને પ્રાથમિકતા આપી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઘટનાના સંદર્ભે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગુજ્જરે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ પરિસ્થિતિમાં નવજાત અથવા અન્ય બાળકને જાહેર સ્થળે, રસ્તા પર કે કોઈપણ અસુરક્ષિત જગ્યાએ ત્યજી ન દેવું.

બાળકની સંભાળ રાખવામાં અસમર્થતા હોય અથવા કોઈ કારણસર બાળકને પોતાની સાથે રાખવું શક્ય ન હોય, તો બાળકના જીવન અને સુરક્ષાને જોખમમાં મૂકવાને બદલે કાયદેસર તથા સુરક્ષિત વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.માતૃછાયા અનાથ આશ્રમ, નડિયાદના મુખ્ય ગેટ ઉપર નવજાત શિશુને સુરક્ષિત રીતે સોંપવા માટે ‘પારણું’ની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી કોઈ કારણસર નવજાત શિશુને પોતાની પાસે રાખવું શક્ય ન હોય તો તેને ખુલ્લામાં કે અસુરક્ષિત સ્થળે મૂકવાને બદલે આશ્રમના ગેટ ઉપર ઉપલબ્ધ પારણામાં સુરક્ષિત રીતે મૂકવા અથવા નજીકના બાળ સુરક્ષા તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

બાળકને સુરક્ષિત રીતે સોંપવા અથવા જરૂરી માર્ગદર્શન મેળવવા માટે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ કલ્યાણ સમિતિ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.

અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગુજ્જરે ખાસ અપીલ કરતાં જણાવ્યું છે કે ખેડા જિલ્લામાં કે રાજ્યમાં ક્યાંય પણ નવજાત શિશુને ખુલ્લામાં કે અસુરક્ષિત સ્થળે મૂકવાથી તેના જીવન અને આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. તેથી બાળકની સુરક્ષા, ગોપનીયતા અને શ્રેષ્ઠ હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ઉપલબ્ધ કાયદેસર અને સુરક્ષિત વ્યવસ્થાનો જ ઉપયોગ કરવામાં આવે.

  • Related Posts

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’ની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી પ્રશંસા

    નડિયાદ : પત્રકારત્વના સામાજિક દાયિત્વ અને પર્યાવરણ સંરક્ષણને એકસાથે જોડતી અનોખી પહેલરૂપે ખેડા જિલ્લાના નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા માહિતી કચેરી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *