આણંદ: રાજ્ય સરકારના પારદર્શક, ગતિશીલ અને સંવેદનશીલ વહીવટના અભિગમને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આણંદ જિલ્લામાં “સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય)” અને “સેવાસેતુ (શહેરી) ૧૨મો તબક્કો”નું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોની રજૂઆતોનો સ્થળ પર જ ઝડપી નિકાલ થાય અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સેવાસેતુ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.
૮થી ૧૦ ગામોના ક્લસ્ટર બનાવી કાર્યક્રમ યોજાશે
સેવાસેતુ ૨.૧ના ગ્રામ્ય તબક્કા અંતર્ગત આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતા ૮થી ૧૦ ગામોના જૂથ એટલે કે ક્લસ્ટર બનાવવામાં આવશે. દરેક ક્લસ્ટર દીઠ એક સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ તબક્કાની કામગીરી તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી તથા બીજા તબક્કાની કામગીરી તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં પણ સેવાસેતુ યોજાશે
શહેરી વિસ્તારોમાં સેવાસેતુનો ૧૨મો તબક્કો તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં બે તથા જિલ્લાના દરેક નગરપાલિકા વિસ્તારમાં બે કાર્યક્રમોનું આયોજન વોર્ડ ક્લસ્ટર મુજબ કરવામાં આવશે.
એક જ સ્થળે ૫૫ જેટલી સરકારી સેવાઓનો લાભ
સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને આશરે ૫૫ જેટલી વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહેશે.જેમાં આધાર કાર્ડ નોંધણી અને સુધારા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આવક અને જાતિના દાખલા, PMJAY, મા અમૃતમ કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય, કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલયની અરજીઓ તેમજ બેંકિંગ સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ પહેલાં સર્વેક્ષણ હાથ ધરાશે
જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. કાર્યક્રમ પહેલાં સંબંધિત ક્લસ્ટરના ગામોમાં સર્વેક્ષણ અભિયાન હાથ ધરી જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા અને નાગરિકોને સેવાસેતુના દિવસે કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.બેઠકમાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, અધિક કલેક્ટર શ્રી રાહુલ ગમારા, આણંદના પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ તેમના રહેઠાણની નજીકના સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવી તેમની રજૂઆતોનો ઝડપી નિકાલ કરવાનો છે.





