મુંબઈ: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027ને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે ઉદ્યોગ જગતના વિવિધ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. બેઠક દરમિયાન ગુજરાતમાં રોકાણની નવી તકો, ઔદ્યોગિક વિસ્તરણ, રોજગારી, ટેક્નોલોજી તેમજ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગપતિઓને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. આ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરનારા અગ્રણી ઉદ્યોગપતિઓએ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.
EV અને GIFT Cityમાં તકો અંગે ફળદાયી ચર્ચા: આનંદ મહિન્દ્રા
મહિન્દ્રા ગ્રુપના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ અંગે તેમની પ્રથમ મહત્વપૂર્ણ બેઠક તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ જ સ્થળે થઈ હતી. તે સમયે નરેન્દ્ર મોદીની દુરંદેશીથી તેઓ પ્રભાવિત થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તાજેતરની બેઠક અંગે આનંદ મહિન્દ્રાએ ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાતમાં ભવિષ્યના રોકાણ અને વિકાસ અંગે આત્મીય સંવાદ થયો હોવાનું જણાવતા તેમણે ઇલેક્ટ્રિક વાહનો (EV) અને GIFT City ક્ષેત્રે નવી તકો શોધવા અંગે ફળદાયી ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતની શિપિંગ પોલિસીની નિખિલ મર્ચન્ટે કરી પ્રશંસા
સ્વાન કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર નિખિલ મર્ચન્ટે ગુજરાતમાં કંપનીની કામગીરીના વિસ્તરણ અને આધુનિકીકરણ અંગે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું.મુખ્યમંત્રી સાથેની બેઠકમાં કંપનીના વધતા આંતરરાષ્ટ્રીય વ્યવસાયને ટેકો આપવા માટે વધુ સારી કનેક્ટિવિટી અને નજીકના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત અંગે પણ ચર્ચા થઈ હતી. નિખિલ મર્ચન્ટે ગુજરાતની શિપિંગ પોલિસીને સરાહનીય ગણાવી હતી.
ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવા રોકાણ અને વિસ્તરણની તકો: દીપાલી ગોએન્કાવેલ્સપન ઇન્ડિયા લિમિટેડના CEO દીપાલી ગોએન્કાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત બનાવવા અંગે વેલ્સપન ગ્રુપ સાથે ફળદાયી ચર્ચા થઈ હતી.ગુજરાતના મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગલક્ષી નીતિઓનો લાભ લઈને રાજ્યમાં નવા રોકાણ અને વિસ્તરણની તકો અંગે વિચારણા કરવામાં આવી હતી. આ સાથે વિકાસ, નિકાસ અને રોજગારીને વેગ આપવા અંગે પણ ચર્ચા થઈ હતી.
કોપર રિસાયક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી પર ભાર
હિન્ડાલ્કોના મેનેજિંગ ડિરેક્ટર સતિષ પાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષેત્રમાં મોટી તકો રહેલી છે. ખાસ કરીને કોપર રિસાયક્લિંગ, ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અને સર્ક્યુલર ઇકોનોમી જેવી પહેલ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન અંગે પણ ચર્ચા થઈ હતી. સંભવિત રોકાણ, ટકાઉ ઔદ્યોગિક પદ્ધતિઓ અને ગુજરાતને અગ્રણી કોપર ડેસ્ટિનેશન તરીકે વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાની યોજના
AMNSના CEO અમિત હરલાલકાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં AMNS ઇન્ડિયાની મહત્વાકાંક્ષી રોકાણ યોજનાઓ અંગે મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક યોજાઈ હતી.કંપની જૂન સુધીમાં રૂ. 80,000 કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ ઉપરાંત હજીરા ખાતે મુખ્યત્વે રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રમાં વધુ રૂ. 10,000 કરોડનું રોકાણ કરવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું.અમિત હરલાલકાએ વધુમાં જણાવ્યું હતું કે, કંપની ગુજરાતમાં 25 મિલિયન ટન વાર્ષિક ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાના પોતાના વિઝન પર પણ કામ કરી રહી છે.
ગુજરાતમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણનો સંદેશ
મુંબઈમાં યોજાયેલી આ વન-ટુ-વન બેઠકો દરમિયાન વિવિધ ક્ષેત્રોના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ગુજરાતમાં રોકાણ અને ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી. EV, GIFT City, શિપિંગ, ટેક્સટાઇલ, કોપર રિસાયક્લિંગ, ઈ-વેસ્ટ, રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં રોકાણની નવી તકો પર ભાર મૂકાયો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ જગતને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં સહભાગી બની ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.





