આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે ખાણી-પીણીના વિવિધ એકમોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનો ભંગ અને અસ્વચ્છતા જોવા મળતા ચાર પ્રતિષ્ઠિત એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
મનપાના આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાદ્ય એકમોમાં સ્વચ્છતાની સ્થિતિ, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તેમજ ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરી હતી.તપાસ દરમિયાન બેકરીમાં વેચાણ માટે રાખવામાં આવેલી કેટલીક કેક પર મેન્યુફેક્ચરિંગ તારીખ દર્શાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ખાદ્ય પદાર્થો બનાવતા અને પીરસતા કર્મચારીઓ પાસે જરૂરી હેલ્થ સર્ટિફિકેટનો અભાવ પણ જોવા મળ્યો હતો. કેટલાક સ્થળોએ અસ્વચ્છતા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન પણ સામે આવ્યું હતું.
ચાર એકમો સામે દંડાત્મક કાર્યવાહી
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ચાર એકમો પાસેથી કુલ રૂ. 50,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
• સુખડિયા સ્વીટ એન્ડ ફરસાણ (ખંભાતવાળા) – રૂ. 25,000
• સિલ્વર ડ્રેગન ચાઈનીઝ – રૂ. 10,000
• કભી બી (Kabhi B) – રૂ. 10,000
• ડાંગી ડમ્સ (Dangee Dums) – રૂ. 5,000
આરોગ્ય વિભાગે ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. ખાસ કરીને ખાદ્ય સામગ્રી પર જરૂરી તારીખો દર્શાવવી, કર્મચારીઓની નિયમિત આરોગ્ય તપાસ કરાવવી તથા તેના પ્રમાણપત્રો ઉપલબ્ધ રાખવા જણાવાયું છે.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા અથવા ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ ખાદ્ય એકમોમાં તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.





