નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ખાણીપીણીનો વ્યવસાય કરતા વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ (FOSTeG Training)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરના કમિશનરશ્રી તેમજ ખેડા જિલ્લા કલેક્ટરશ્રીની સલાહ અને સૂચના મુજબ કરવામાં આવ્યું હતું. NASVI INDIA અને NESTLE INDIAના સંયુક્ત ઉપક્રમે ડાકોર-ઉમરેઠ રોડ પર આવેલી ડી.એમ.ડી. હોટલના કોન્ફરન્સ હોલમાં આ તાલીમ યોજાઈ હતી.
શ્રી રણછોડરાય મંદિરની આસપાસ આવેલી પ્રસાદી અને મીઠાઈની પેઢીઓ તેમજ ડાકોર બસ સ્ટેન્ડની આસપાસ ખાણીપીણીનો વ્યવસાય કરતા સ્ટ્રીટ ફૂડ વેન્ડર, હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો સહિત કુલ 130 વેપારીઓએ તાલીમમાં ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન વેપારીઓને ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની યોગ્ય જાળવણી, પોષણ અને ગ્રાહકોના સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વ્યવસાય દરમિયાન સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય ચીજોની ગુણવત્તા તથા સલામતી સુનિશ્ચિત કરવા અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
તાલીમમાં ભાગ લેનાર તમામ 130 વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે એપ્રોન, કેપ, હેન્ડ ગ્લવ્સ, રૂમાલ, ડસ્ટર, મોપ સહિતની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ તાલીમ પૂર્ણ કરનાર તમામ વેપારીઓને તાલીમ લીધા અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદના ડેઝિગ્નેટેડ ઓફિસર તથા FOSTeG ટ્રેનર અજીતકુમારે વેપારીઓને સ્વચ્છ ભોજન અને સ્વસ્થ જીવનના સિદ્ધાંતો અંગે સમજ આપી હતી. આ અંગેની માહિતી ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.





