વયમર્યાદા ૨૪થી વધારી ૩૦ વર્ષ કરાઈ, વર્ગદીઠ બેઠકો ૫૦થી વધારી ૬૨ કરવામાં આવી
ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની પ્રી-પીટીસી (D.El.Ed./D.E.C.Ed.) કૉલેજોમાં પ્રવેશના નિયમોમાં વિવિધ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.નવા સુધારાઓથી પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ પ્રક્રિયા વધુ સમાવેશી, સુગમ અને સમયાનુકૂળ બનશે. ખાસ કરીને પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા ૨૪ વર્ષથી વધારીને ૩૦ વર્ષ કરવામાં આવી છે.
વર્ગદીઠ બેઠકોમાં ૨૫ ટકાનો વધારો
અગાઉ પ્રી-પીટીસી કૉલેજોમાં વર્ગદીઠ ૫૦ બેઠકોની મંજૂર ક્ષમતા હતી. હવે તેમાં ૨૫ ટકાનો વધારો કરીને વર્ગદીઠ કુલ ૬૨ બેઠકો કરવામાં આવી છે. આ નિર્ણયથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વધુ યુવાનોને પ્રવેશની તક મળશે.નવા બેઠક માળખા મુજબ SEBC માટે ૨૭ ટકા હેઠળ ૧૭ બેઠકો, અનુસૂચિત જાતિ માટે ૭ ટકા હેઠળ ૪ બેઠકો, અનુસૂચિત જનજાતિ માટે ૧૫ ટકા હેઠળ ૯ બેઠકો તથા ઓપન કેટેગરીમાં ૪૧ ટકા મુજબ ૨૬ બેઠકો રહેશે.આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે ૧૦ ટકા મુજબ ૬ બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે.
દિવ્યાંગ ઉમેદવારો માટે ૫ ટકા અનામત
સમાવેશી શિક્ષણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા કુલ ઉપલબ્ધ બેઠકોમાંથી ૫ ટકા બેઠકો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. આ જોગવાઈ Rights of Persons with Disabilities Act, 2016ની કલમ-૩૨ અનુસાર કરવામાં આવી છે.દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી વખતે તેમની દિવ્યાંગતા શિક્ષક તરીકેની ફરજો બજાવવામાં બાધારૂપ ન બને તે બાબતની પણ ચકાસણી કરવામાં આવશે.
ધોરણ-૧૨માં ૫૦ ટકા ગુણ જરૂરી
પ્રી-પીટીસીમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે ધોરણ-૧૨ની પરીક્ષામાં કુલ ગુણના ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી રહેશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપરાંત રાજ્ય તથા અન્ય રાજ્યોના માન્ય CBSE અને ICSE સહિતના બોર્ડમાંથી ધોરણ-૧૨ પાસ કરનારા ઉમેદવારોને પણ આ જ પાત્રતા લાગુ પડશે.અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS તથા દિવ્યાંગ ઉમેદવારોને ગુણની પાત્રતામાં ૫ ટકાની છૂટ આપવામાં આવશે.મહત્તમ વયમર્યાદામાં પણ રાહતનવા નિયમો મુજબ શૈક્ષણિક વર્ષના પ્રારંભે એટલે કે તે વર્ષના ૧ જુલાઈના રોજ ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS તથા દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં વધુ ૫ વર્ષની છૂટ આપવામાં આવશે.આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રમાં થોડા વિલંબ બાદ કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે પણ પ્રી-પીટીસી શિક્ષણમાં પ્રવેશની તકો વધશે.માધ્યમની પસંદગીમાં પણ લવચીકતાપ્રવેશના માધ્યમ અંગે પણ નિયમોમાં રાહત આપવામાં આવી છે. ઉમેદવાર ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨માં જે માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તે પૈકી કોઈપણ માધ્યમની સંસ્થામાં પ્રવેશ માટે અરજી કરી શકશે.કોઈ માધ્યમની બેઠકો ખાલી રહે અને ઉમેદવારે ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨માં પોતાની મૂળ માધ્યમ સિવાયની ભાષાનો અભ્યાસ કર્યો હોય તો ઉમેદવારની પસંદગી મુજબ અન્ય ભાષાના માધ્યમમાં પણ પ્રવેશ મેળવી શકાશે.
વધુ યુવાનોને મળશે શિક્ષણ ક્ષેત્રમાં તક
રાજ્ય સરકારના આ સુધારાઓથી પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ વ્યવસ્થા વધુ વિસ્તૃત અને સર્વસમાવેશક બનવાની અપેક્ષા છે. બેઠકોમાં ૨૫ ટકાનો વધારો, EWS અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત, વયમર્યાદામાં વધારો, ગુણમાં છૂટછાટ તથા માધ્યમની પસંદગીમાં લવચીકતા જેવા નિર્ણયો દ્વારા વધુ ઉમેદવારોને તક મળશે.આ સુધારાઓના પરિણામે રાજ્યમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે વધુ સંખ્યામાં તાલીમબદ્ધ, સક્ષમ અને યોગ્ય શિક્ષકોનું માનવબળ તૈયાર કરવામાં મદદ મળશે.





