પડતર જમીન બની વિકાસની વનવાટિકા : ખેડાની બે ગ્રામ પંચાયત અને એક તાલુકા પંચાયતનું મુખ્યમંત્રીશ્રી દ્વારા વિશેષ સન્માન

ખેડા : ખેડા જિલ્લામાં પડતર તથા ગૌચર જમીનનો રચનાત્મક ઉપયોગ કરી તેને હરિયાળી અને વિકાસના સાધનમાં પરિવર્તિત કરવાનો પ્રેરણાદાયી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વૃક્ષારોપણ માટે વન વિભાગને જમીન ઉપલબ્ધ કરાવી તેમાંથી મળતી વન ઉપજની આવકનો હિસ્સો ગામ તથા તાલુકાના વિકાસલક્ષી કામોમાં ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.આવી પ્રેરણાદાયી કામગીરી ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા પંચાયત, પીજ ગ્રામ પંચાયત અને પીઠઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. આ કામગીરી બદલ પોરબંદર ખાતે યોજાયેલા ૭૭મા રાજ્ય કક્ષાના વન મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

પડતર અને ગૌચર જમીનનો વનીકરણ માટે ઉપયોગ

વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકારના પ્રવર્તમાન ઠરાવ અનુસાર ગ્રામસભાની સર્વસંમતિથી પડતર તથા ગૌચર જમીન વન વિભાગને વૃક્ષારોપણ માટે આપવામાં આવે છે.

ત્યારબાદ વન વિભાગ દ્વારા આવી જમીન પર વૃક્ષારોપણ અને વનીકરણની કામગીરી કરવામાં આવે છે.સમયાંતરે આ જમીનમાંથી પ્રાપ્ત થતી વન ઉપજમાંથી ૭૫ ટકા રકમ સંબંધિત તાલુકા પંચાયત અથવા ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. આ રકમનો ઉપયોગ સ્થાનિક સ્તરે વિવિધ વિકાસલક્ષી કામો માટે કરી શકાય છે.

ત્રણ સ્થાનિક સંસ્થાઓને રૂ. ૯૨.૭૩ લાખની આવક

આ વ્યવસ્થાનો લાભ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા પંચાયત, પીજ ગ્રામ પંચાયત અને પીઠઈ ગ્રામ પંચાયતને મળ્યો છે.નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગ, નડિયાદ મારફતે વન ઉપજના ૭૫ ટકા હિસ્સા પેટે નડિયાદ તાલુકા પંચાયતને રૂ. ૭,૯૧,૭૫૦ની રકમ ચૂકવવામાં આવી છે. આ સન્માન નડિયાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સ્વીકાર્યું હતું.

તે જ રીતે, ગામના વિકાસલક્ષી કામો માટે

પીજ ગ્રામ પંચાયતને રૂ. ૨૧,૩૦,૮૯૬

પીઠઈ ગ્રામ પંચાયતને રૂ. ૬૩,૮૧,૨૭૮

ની રકમ ચૂકવવામાં આવી છે. બંને ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ સન્માન સ્વીકાર્યું હતું.આમ, નડિયાદ તાલુકા પંચાયત, પીજ ગ્રામ પંચાયત અને પીઠઈ ગ્રામ પંચાયતને મળીને કુલ રૂ. ૯૨,૭૩,૯૨૪, એટલે કે અંદાજે રૂ. ૯૩ લાખની રકમ, સ્થાનિક વિકાસલક્ષી કામો માટે ઉપલબ્ધ બની છે.

‘વૃક્ષારોપણથી હરિયાળી અને હરિયાળીથી વિકાસ’નું મોડેલ

આ પહેલ માત્ર વૃક્ષારોપણ પૂરતી સીમિત નથી. પડતર તથા ગૌચર જમીનનું વનીકરણ કરીને એક તરફ પર્યાવરણ અને હરિયાળીમાં વધારો થાય છે, જ્યારે બીજી તરફ વન ઉપજમાંથી મળતી આવકના માધ્યમથી સ્થાનિક વિકાસ માટે નાણાકીય સ્ત્રોત ઊભો થાય છે.આ રીતે‘જમીનનું વનીકરણ અને આવકનું સ્થાનિક વિકાસમાં પુનઃરોકાણ’નું એક દિશાદર્શક મોડેલ ખેડા જિલ્લામાં સાકાર થયું છે.

અન્ય ગ્રામ પંચાયતોને પણ જોડાવા અપીલ

ખેડા જિલ્લાના અન્ય ગ્રામ પંચાયતોને પણ આ પ્રેરણાદાયી પહેલ સાથે જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. ઉપલબ્ધ પડતર તથા ગૌચર જમીનમાં વૃક્ષારોપણની શક્યતાઓ અંગે માર્ગદર્શન મેળવવા માટે સામાજિક વનીકરણ વિભાગ, નડિયાદનો સંપર્ક કરી શકાય છે.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સહયોગથી આવી પહેલો વધુ વિસ્તરે તો‘વૃક્ષારોપણથી હરિયાળી અને હરિયાળીથી વિકાસ’નું સુંદર મોડેલ સમગ્ર ખેડા જિલ્લામાં સાકાર થઈ શકે છે.

  • Related Posts

    ખંભાતમાં તડીપાર આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત; 23ની ધરપકડ

    ખંભાત: ખંભાતના પાદરીયા વિસ્તારમાં તડીપાર આરોપીને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અનેક ગુનાઓમાં સંડોવાયેલો અને નવ જિલ્લાઓમાંથી તડીપાર કરાયેલો આરોપી અક્ષય…

    મહેમદાવાદના હલધરવાસ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

    મહેમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘જન સેવા થી રાષ્ટ્ર સેવા’ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *