નડિયાદ: કેન્દ્ર સરકાર દ્વારા શહેરી ફેરીયાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ તેમના વ્યવસાયને આગળ વધારવાના હેતુથી PM સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શહેરી ફેરીયાઓને કોઈપણ પ્રકારની બાંહેધરી કે કોલેટરલ વિના સરળતાથી લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એટલે કે લોન મેળવવા માટે કોઈ મિલકત ગીરવે મૂકવાની કે કોઈ બાંહેધરી આપવાની જરૂરિયાત રહેતી નથી.આ અંગે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી રૂદ્રેશભાઈ હુદળે નડિયાદ શહેરના તમામ શહેરી ફેરીયાઓને PM સ્વનિધિ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, PM સ્વનિધિ યોજના હેઠળ શરૂઆતમાં પ્રથમ તબક્કે રૂ. 10,000 સુધીની લોન આપવામાં આવતી હતી. હવે તેમાં વધારો કરીને શહેરી ફેરીયાઓને પ્રથમ લોન રૂ. 15,000 સુધીની આપવામાં આવે છે. આ લોન માટે કોઈ બાંહેધરી આપવાની આવશ્યકતા નથી અને તે કોલેટરલ ફ્રી લોન છે.
સમયસર ભરપાઈ કરવાથી તબક્કાવાર વધુ લોન
યોજના હેઠળ પ્રથમ લોનની સમયસર અને સંપૂર્ણ ભરપાઈ કરનાર લાભાર્થીને આગળના તબક્કામાં રૂ. 25,000 સુધીની બીજી લોન મેળવવાની તક મળે છે. બીજી લોનની પણ સમયસર ભરપાઈ કર્યા બાદ લાભાર્થીને રૂ. 50,000 સુધીની ત્રીજી લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ રીતે શહેરી ફેરીયાઓને તબક્કાવાર ધિરાણની સુવિધા પૂરી પાડી તેમના વ્યવસાયમાં જરૂરી મૂડીની ઉપલબ્ધતા વધારવાનો હેતુ છે.
ઊંચા વ્યાજના બોજમાંથી મળી શકે રાહત
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરી ફેરીયાઓ ઘણી વખત વ્યવસાય માટે ખાનગી સ્ત્રોતોમાંથી ઊંચા વ્યાજદરે નાણાં લેતા હોય છે. તેની સરખામણીએ PM સ્વનિધિ યોજના હેઠળ ઓછા વ્યાજદરે ધિરાણની સુવિધા ઉપલબ્ધ થાય છે. તેથી શહેરી ફેરીયાઓએ ખાનગી ધિરાણના ઊંચા વ્યાજના બોજમાંથી રાહત મેળવવા આ સરકારી યોજનાનો લાભ લેવો જોઈએ.
નવો ધંધો શરૂ કરવા, હાલના વ્યવસાયમાં વધારો કરવા અથવા વ્યવસાય માટે જરૂરી મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માંગતા શહેરી ફેરીયાઓ માટે PM સ્વનિધિ યોજના ઉપયોગી સાબિત થઈ શકે છે.
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા નડિયાદ શહેરના તમામ શહેરી ફેરીયાઓને અપીલ કરવામાં આવી છે કે, PM સ્વનિધિ યોજના હેઠળ મળવાપાત્ર લોનનો મહત્તમ લાભ લઈ પોતાના વ્યવસાયને વેગ આપે અને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધે.





