વસો: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ખેડા જિલ્લાના વસો તાલુકાની વાંચનપ્રેમી જનતાને અનમોલ ભેટરૂપે સરકારી તાલુકા ગ્રંથાલય, વસોનું લોકાર્પણ માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, નવનિર્મિત ગ્રંથાલય વસો તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તથા જાહેર જનતા માટે જ્ઞાન, વાંચન અને વ્યક્તિત્વ વિકાસની નવી તકો ઉપલબ્ધ કરાવશે.તેમણે સૌને જ્ઞાન અને વાંચનના આ પવિત્ર કેન્દ્રનો વધુમાં વધુ લાભ લેવા તેમજ સમાજમાં પુસ્તક વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
“ગ્રંથાલય જ્ઞાન, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસનું કેન્દ્ર”
આ પ્રસંગે ગ્રંથાલય ખાતાના નિયામકશ્રી ડો. પંકજ ગોસ્વામીએ ગ્રંથાલયમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ, પુસ્તકસંગ્રહ તેમજ વિદ્યાર્થીઓ અને વાચકો માટે હાથ ધરાનારી ઉપયોગી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે વસો તાલુકાની વાંચનપ્રેમી જનતાને ગ્રંથાલયનો વધુમાં વધુ ઉપયોગ કરવા તથા વાંચનને જીવનનો અમૂલ્ય હિસ્સો બનાવવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગ્રંથાલય માત્ર પુસ્તકો મેળવવાનું સ્થળ નથી, પરંતુ જ્ઞાન, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસનું કેન્દ્ર છે.”
વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકસંગ્રહ
નવા શરૂ કરાયેલા સરકારી તાલુકા ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સંદર્ભ ગ્રંથો ઉપરાંત નવલકથાઓ, ધાર્મિક સાહિત્ય, જીવનચરિત્રો, બાળસાહિત્ય, ગુજરાતી સાહિત્ય, સામાયિકો અને અખબારો સહિત વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.આ ગ્રંથાલય વસો તાલુકામાં જ્ઞાન અને વાંચનની નવી ક્ષિતિજો ખોલી વિદ્યાર્થીઓ, યુવાનો તથા સમગ્ર સમાજ માટે જ્ઞાનપ્રાપ્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેનશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી-વસો, વસો સંગઠન પ્રમુખશ્રી, સરપંચશ્રી-વસો, તાલુકાના અગ્રણીઓ તેમજ વસો સેવાસદનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ગ્રંથાલય ખાતાના નિયામકશ્રી ડો. પંકજ ગોસ્વામી તથા મદદનીશ નિયામકશ્રી ડો. અમિતાબેન દવેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
સમગ્ર કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હોવાનું જિલ્લા ગ્રંથપાલશ્રી વિવેકભાઈ સુથારે જણાવ્યું હતું.





