ખેડા જિલ્લામાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, કલેક્ટરની કડક સૂચના

નડિયાદ:ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC)ની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ઓગસ્ટ-2026 દરમિયાન માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અકસ્માતો અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.ચોમાસાની સિઝનમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લામાં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, પંચાયત માર્ગો તેમજ માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ પર પડેલા ખાડાઓનું વેટ મિક્સથી યોગ્ય પુરાણકામ કરવામાં આવ્યું છે કે નહીં તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત જાહેર માર્ગો પર રખડતા પશુઓના કારણે થતા જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. જુલાઈ-2026 સુધી જિલ્લામાં થયેલા ફેટલ અકસ્માતોની વિગતો મેળવી વિવિધ બ્લેક સ્પોટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અકસ્માત નિવારણ માટે ડિવાઈડર, નો-પાર્કિંગના બોર્ડ, રિફ્લેક્ટર તથા બહિર્ગોળ લેન્સ સહિતના જરૂરી સાધનો મૂકવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થતા અકસ્માતો, સ્કૂલ ઝોન તથા બાળકોની માર્ગ સલામતી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સંત ઉર્સલા, આર.સી. મિશન શાળા અને લિટલ કિંગડમ શાળા નજીક હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સ કમિટીની કામગીરી અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.

કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયે રોંગ સાઇડમાં આવતા વાહનો, ઓવર સ્પીડ, રસ્તા પરના દબાણો સહિતના ટ્રાફિક નિયમન સંબંધિત મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી. મહત્વના માર્ગો પર જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકર, સ્ટ્રીટ લાઈટ અને હાઈમાસ્ટ લાઈટ મૂકવા પણ તેમણે જણાવ્યું હતું.

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અંગે ખાસ સૂચના

માર્ગ સલામતીને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ વધુ સઘન બનાવવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. ખાસ કરીને તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મયોગીઓ હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે તે માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવા તેમણે જણાવ્યું હતું.આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલે ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા જિલ્લામાં જરૂરી સ્થળોએ ટ્રાફિક સિગ્નલ લગાવવા અંગે સૂચન કર્યું હતું.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અધિક નિવાસી કલેક્ટર શ્રી જે.બી. દેસાઈ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એમ.એન. ભાંગલે, એસ.ટી. વિભાગીય નિયામક શ્રી સી.ડી. મહાજન, સીડીએચઓ શ્રીમતી કવિતાબેન, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયતના અધિકારીઓ, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    પેટલાદમાં વરસાદી હોનારતના અસરગ્રસ્તોને રૂ. 3.10 લાખની મકાન સહાયના ચેક અર્પણ

    પેટલાદ : પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક પરિવારોના મકાનોને નુકસાન પહોંચ્યું હતું. વરસાદી હોનારતથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે હેતુથી નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ…

    તાંત્રિક વિધિના બહાને સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ, સોલા પોલીસમાં ગુનો નોંધાયો

    અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.ફરિયાદ મુજબ, સગીરા વારંવાર બીમાર પડતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *