નડિયાદ: ગુજરાતની પરંપરાગત લોકકળા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં ચોરવાડના સુશ્રી દુધીબેન રમણભાઈ પરમારનું યોગદાન અનોખું છે. માત્ર 12 વર્ષની ઉંમરથી ટીપણી નૃત્ય સાથે જોડાયેલા દુધીબેન આજે 78 વર્ષની ઉંમરે પણ આ પરંપરાગત લોકકળા પ્રત્યે એટલા જ સમર્પિત છે.નડિયાદ ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં જુનાગઢ જિલ્લાના ચોરવાડની બહેનો દ્વારા પરંપરાગત ટીપણી નૃત્યની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 78 વર્ષની ઉંમરે પણ દુધીબેન રમણભાઈ પરમાર અને તેમની ટીમે ટીપણીની તાલે અદભૂત રજૂઆત કરી ઉપસ્થિત લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી પરંપરાગત ટીપણી લોકનૃત્યની કળાને જીવંત રાખવા માટે દુધીબેન છેલ્લા 66 વર્ષથી સતત કાર્યરત છે. ખાસ વાત એ છે કે તેઓ આજે ત્રણ પેઢીને સાથે લઈને દેશના વિવિધ મંચો પર ટીપણી નૃત્યની પ્રસ્તુતિ કરી રહ્યા છે અને તેના માધ્યમથી ગુજરાતની લોકસંસ્કૃતિ તથા પરંપરાનો દેશભરમાં પરિચય કરાવી રહ્યા છે.
શ્રી ભારતીય ટીપણી લોકનૃત્ય મંડળ સાથે જોડાઈને દુધીબેન અનેક મહત્વપૂર્ણ પ્રસંગોએ પોતાની કલાનું પ્રદર્શન કરી ચૂક્યા છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પણ અનેક પ્રસંગોએ ટીપણી નૃત્ય રજૂ કરવાનો તેમને અવસર મળ્યો હોવાનું જણાવાયું છે.
ઔપચારિક અભ્યાસથી વંચિત હોવા છતાં કલા પ્રત્યેના અખૂટ સમર્પણ અને મહેનતથી દુધીબેને ટીપણી નૃત્યને ગુજરાતની લોકસંસ્કૃતિના આગવા વારસા તરીકે જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
78 વર્ષની ઉંમરે પણ ટીપણીની તાલે થનગનતા દુધીબેન માત્ર પોતાની કલા જ નહીં, પરંતુ નવી પેઢીને પરંપરાગત લોકકળાનો વારસો સોંપવાનું અનોખું કાર્ય પણ કરી રહ્યા છે. તેમની આ કલાસાધના ગુજરાતની લોકપરંપરા અને સાંસ્કૃતિક વારસાની જીવંત ઓળખ બની રહી છે.





