નડિયાદ : સાક્ષરભૂમિ નડિયાદથી ખેડા જિલ્લામાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ અને સંસ્કૃત પાઠશાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા-કલેક્ટરશ્રી એન. વી. ઉપાધ્યાય તથા સંસ્કૃત સારસ્વતોએ લીલી ઝંડી આપી ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું પ્રસ્થાન કરાવ્યું હતું.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લામાં તા. ૨૫થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ સંસ્કૃતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞ અને મંત્રોચ્ચાર સાથે સપ્તાહનો પ્રારંભકાર્યક્રમ દરમિયાન ઉમરેઠ શ્રી સંતરામ મંદિરના ગાદીપતિ સંતશ્રી નિર્ગુણદાસજી, વડતાલ સ્વામિનારાયણ મંદિરના ડૉ. સંત વલ્લભદાસજી મહારાજ, ડભાણ મંદિરના સ્વામી માધવદાસજી તથા બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના ઋષિકુમારોએ ડમરુ અને શંખનાદ સાથે મંત્રોચ્ચાર કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીના યજમાનપદે યજ્ઞ સંપન્ન કરાવી સંસ્કૃત સપ્તાહનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો હતો.૧૬ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનમાર્ચ-૨૦૨૬માં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં નડિયાદ તાલુકામાં સંસ્કૃત વિષયમાં ૧૦૦ ટકા પરિણામ મેળવનારા
૧૬ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર ખેડા જિલ્લામાં કુલ ૪૪ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવનાર છે.જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના માધ્યમથી જિલ્લાના નાગરિકોમાં સંસ્કૃત ભાષાના પ્રચાર અને સંવર્ધન અંગે જાગૃતિ લાવવામાં આવશે. સંસ્કૃત સંભાષણ, સાહિત્ય દિન, સંસ્કૃત પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
વિવિધ કાર્યક્રમોનું આયોજન
સંસ્કૃત સપ્તાહ અંતર્ગત તા. ૨૭ ઓગસ્ટના રોજ સાંજે ૫ વાગ્યે સંતરામ વિદ્યાલયના હોલમાં ‘સંસ્કૃત સંભાષણ દિવસ’ની ઉજવણી થશે, જેમાં પ્રાર્થના અને ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે. શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરસ્પર સંસ્કૃત ભાષામાં વાતચીત તથા અભિવાદન કરશે.તા. ૨૯ ઓગસ્ટના રોજ સંતરામ મંદિર, નડિયાદના પ્રાંગણમાં સાહિત્ય પ્રદર્શની સાથે ‘સંસ્કૃત સાહિત્ય દિન’ની ઉજવણી કરવામાં આવશે.વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ડૉ. સંત વલ્લભદાસજીએ જણાવ્યું હતું કે સંસ્કૃત દેવભાષા છે અને સંસ્કૃતનું પોષણ થશે તો સંસ્કૃતિ તથા રાષ્ટ્રનું પણ પોષણ થશે. તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં ખેડા જિલ્લો સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં પ્રથમ સ્થાને રહ્યો હતો.
૧.૫ કિમીની સંસ્કૃત ગૌરવ યાત્રા
“જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ”ના નારા સાથે નડિયાદ શહેરમાં આશરે ૧.૫ કિલોમીટરની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. યાત્રા સંતરામ હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી પારસ સર્કલ, આત્મસિદ્ધિ શાસ્ત્ર રચનાભૂમિ, કુંદનબેન દિનશા પટેલ હોસ્ટેલ અને મહાગુર્જરાત સર્કલ થઈ શ્રી સંતરામ મંદિર ખાતે પહોંચી હતી.યાત્રામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ ટેબ્લો અને પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. સંતરામ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની ૨૦ વિદ્યાર્થિનીઓ શ્રીફળ અને કળશ સાથે પરંપરાગત વેશભૂષામાં યાત્રાના અગ્રભાગે જોડાઈ હતી.શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ભારતીય પ્રાચીન સાહિત્ય ગ્રંથોની પ્રતિકૃતિ દર્શાવતા બેનરો સાથે ટેબ્લો રજૂ કર્યો હતો. શારદા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ચાર વેદને રજૂ કરતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો. બ્રહ્મર્ષિ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ ડમરુ અને શંખનાદ સાથે મંત્રોચ્ચાર કરતા યાત્રામાં જોડાયા હતા.બાસુદીવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઋષિકુમારોના વેશમાં જોડાયા હતા, જ્યારે શ્રી સંતરામ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સ્કૂલ બેન્ડ સાથે યાત્રામાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું.
અન્ય તાલુકાઓમાં પણ ગૌરવ યાત્રા
નડિયાદ ઉપરાંત માતર, કપડવંજ અને ખેડા તાલુકામાં પણ વિવિધ શાળાઓ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરજનોએ ઉત્સાહભેર યાત્રામાં સહભાગી બની સંસ્કૃત ભાષા પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીના સહ-સંયોજક નિરવ ભટ્ટ, બ્રહ્મર્ષિ વિદ્યાલયના સંચાલકશ્રી દેવેન્દ્રભાઈ દવે, નોડલ અધિકારી મહેન્દ્રભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયંત કિશોર, નડિયાદના પ્રાંત અધિકારીશ્રી ચિરાગકુમાર નિનામા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કલ્પેશ રાવલ, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પરેશ વાધેલા સહિત વિવિધ સંસ્કૃત મહાવિદ્યાલયોના પ્રાચાર્યો, મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.





