આણંદ: આણંદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ. આણંદ-૪ ઘટક દ્વારા ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન ઓડ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલે વર્તમાન સમયની ખાણીપીણીની બદલાતી આદતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બજારમાં મળતા પીઝા, બર્ગર સહિતના જંક ફૂડથી દૂર રહી પરંપરાગત અને પોષણયુક્ત આહાર અપનાવવો જોઈએ. બાળકો તથા પરિવારના સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહારને રોજિંદા જીવનનો ભાગ બનાવવાની તેમણે અપીલ કરી હતી.
સરગવો, મિલેટ્સ અને THRના ઉપયોગ પર ભાર
કાર્યક્રમમાં સીડીપીઓ દ્વારા ‘પોષણ ઉત્સવ’ના ઉદ્દેશ્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય અને પોષણના મહત્વ પર ભાર મૂકતા રોજિંદા આહારમાં સરગવો, મિલેટ્સ (તૃણધાન્ય) તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા ટેક હોમ રાશન (THR)ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કુપોષણને નાથવા માટે સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ પૌષ્ટિક ખાદ્યસામગ્રીનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
મિલેટ્સ અને THRની વાનગીઓનું પ્રદર્શન
‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ અને THRમાંથી તૈયાર કરવામાં આવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું. આંગણવાડી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ આરોગ્યપ્રદ વાનગીઓ રજૂ કરી હતી.આ ઉપરાંત પોષણ ઉત્સવના ભાગરૂપે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં આંગણવાડી કાર્યકરોએ પોતાની રસોઈ કળા અને સર્જનાત્મકતા દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વાનગી પ્રદર્શનની મુલાકાત લઈ આંગણવાડી કાર્યકરોની કામગીરીને બિરદાવી હતી.
પ્રથમ ત્રણ વિજેતાઓનું સન્માન
પૌષ્ટિક વાનગી સ્પર્ધાના અંતે પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દ્વારા સમાજમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને બાળકો તથા પરિવારોમાં પૌષ્ટિક આહારની ટેવ વિકસાવી તંદુરસ્ત પેઢીના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો
વિવિધ મહાનુભાવો અને કાર્યકરોની ઉપસ્થિતિ
કાર્યક્રમની શરૂઆત સીડીપીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કરવામાં આવી હતી.આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેન પટેલ, બાગબગીચા સમિતિના ચેરમેન નીતાબેન ભરતભાઈ ઠાકોર, સેનેટાઈઝર સમિતિના ચેરમેન નીરુબેન મનોજભાઈ સોલંકી, નગરપાલિકાના સભ્યો, મુખ્ય સેવિકા, એન.એન.એમ. કોઓર્ડિનેટર, બ્લોક પીએસઈ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી અને આશા કાર્યકરો, લાભાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





