ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

આણંદ: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ, આઈ.સી.ડી.એસ. શાખા તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉંદેલ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં કિશોરીઓને સમાન હક, સમાન તક અને જવાબદારીઓના વહન અંગે પ્રેરિત કરવામાં આવી હતી. તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે સ્વસ્થ અને શ્રેષ્ઠ જીવનશૈલી અપનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.જિલ્લા મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી શિબિરમાં કિશોરીઓને તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક અને માનસિક ફેરફારો તથા તે સમયની લાગણીઓને હકારાત્મક રીતે સંભાળવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેન્ડર સ્પેશિયાલિસ્ટ હરેન્દ્રભાઈ પટેલે મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. આઈ.સી.ડી.એસ.ના પૂર્ણા કન્સલ્ટન્ટ દિશાબેન ઠક્કરે આરોગ્ય અને પોષણના મહત્વ અંગે સમજ આપી પૂર્ણા શક્તિ પેકેટમાંથી પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી દૈનિક આહારમાં તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.તબીબી નિષ્ણાત ડો. તંજમબેન મન્સૂરીએ કિશોરીઓને માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા જાળવવા, હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવા માટેના ઉપાયો તથા સમયસર પ્રાથમિક આરોગ્ય તપાસ કરાવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.મહિલા સુરક્ષા અંગે પી.બી.એસ.સી. કાઉન્સેલર શબનમબેન ખલીફાએ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર તથા ૧૮૧ અભયમ હેલ્પલાઇનની કામગીરી અંગે માહિતી આપી હતી.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે દીકરી વધામણા કીટ, એજ્યુકેશન કીટ તથા ‘વહાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પૌષ્ટિક વાનગીઓના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સ્થાનિક મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆતમાં ઉંદેલ હાઈસ્કૂલના આચાર્ય કૌશિકભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મચારીઓ, ઉંદેલ હાઈસ્કૂલના શિક્ષકગણ, આઈ.સી.ડી.એસ. કચેરીના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો, આર.બી.એસ.કે.ના ડોક્ટર્સ, સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ, વિદ્યાર્થીનીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    ખેડા જિલ્લામાં તિરંગા યાત્રાના રૂટ જાહેર

    ખેડા: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય…

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *