નડિયાદ : પ્રાકૃતિક કૃષિ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ગતરોજ નડિયાદ તાલુકાના પીપળાતા ગામે આવેલા ‘સંજીવની ફાર્મ’ની મુલાકાત લીધી હતી. રાજ્યના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત અને ‘કૃષિના ઋષિ’ તરીકે જાણીતા પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિકાર અરુણકુમાર શાહની ખેતી પદ્ધતિઓનું નિરીક્ષણ કરી કલેક્ટરશ્રીએ તેમની કામગીરીને બિરદાવી હતી.તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માનિત થયેલા અરુણકુમાર શાહ પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે ખેડા જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે.
જીવામૃત,ઘન જીવામૃત અને આચ્છાદન પદ્ધતિનું નિરીક્ષણ
સંજીવની ફાર્મની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ દેશી પદ્ધતિથી થતી ખેતી, જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદન સહિતની વિવિધ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે ફાર્મમાં કરવામાં આવતા વિવિધ પ્રયોગો અને ખેતીની પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
કાળા નમક ડાંગરની સુગંધથી કલેક્ટર પ્રભાવિત
ફાર્મમાં ઉગાડવામાં આવેલા ‘બુદ્ધ રાઇસ’ તરીકે જાણીતા કાળા નમક ડાંગરના પાકનું પણ કલેક્ટરશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. ડાંગરના પાકમાંથી આવતી મનમોહક સુગંધથી તેઓ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ફાર્મમાં ઉગાડવામાં આવેલા વિવિધ ઔષધીય અને ફળાઉ વૃક્ષો તેમજ અન્ય પાકોની માહિતી પણ મેળવી હતી.
પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટેના પ્રયાસોની પ્રશંસા
મોડી સાંજે પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને સંજીવની ફાર્મની મુલાકાતે પહોંચેલા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે અરુણકુમાર શાહ પાસેથી નડિયાદ તાલુકા સહિત સમગ્ર ખેડા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો જાણી હતી.રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડીને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
જમીનની ફળદ્રુપતા અને ટકાઉ ખેતી માટે પ્રાકૃતિક કૃષિ મહત્વપૂર્ણ
ખેડા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વધુ વેગ મળે અને ખેડૂતો પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અપનાવે તે જરૂરી છે. આવી પદ્ધતિઓ જમીનની ફળદ્રુપતા જાળવવા તથા કૃષિને વધુ ટકાઉ બનાવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ દિશામાં પ્રાકૃતિક કૃષિકારો દ્વારા કરવામાં આવતા પ્રેરણાદાયી પ્રયાસો અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બની રહેશે.
અધિકારીઓ અને ખેડૂતો રહ્યા ઉપસ્થિત
આ મુલાકાત દરમિયાન મામલતદાર ઉપેન્દ્રસિંહ ગોહેલ, પીપળાતા ગામના સરપંચ આશિષભાઈ પરમાર, ટીસીએમ ચિરાગભાઈ, ગ્રામસેવક કેયુરભાઈ માલધારિયા તેમજ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા અન્ય ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.





