આણંદમાં રૂ.૨૨.૫૨ કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ

આણંદ: આણંદના રમતવીરો અને યુવાનોને આધુનિક રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રૂ.૨૨.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના અગ્રણી સંજયભાઈ પટેલ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ રૂ.૩૮૮ કરોડથી વધુના ખર્ચે વિવિધ રમત સંકુલ, લાઇબ્રેરી અને સ્ટડી હોલના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજ્યભરમાં તાલુકા કક્ષાના ૧૧ રમત સંકુલ, ૭ લાઇબ્રેરી અને ૨ સ્ટડી હોલ તેમજ જિલ્લા કક્ષાના ૭ રમત સંકુલ, ૫ લાઇબ્રેરી અને ૨ નગરપાલિકા લાઇબ્રેરી સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ્સ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં રમતગમત સંકુલ, આધુનિક પુસ્તકાલયો, સ્ટડી હોલ, સ્પોર્ટ્સ હોસ્ટેલ, ૪૦૦ મીટર એથલેટિક સિન્થેટિક ટ્રેક, એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ તથા કેમ્પસ ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

૭ એકર જમીન રૂ.૧ના ટોકન ભાડે ફાળવાઈ

ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુવાનોને રમતગમત ક્ષેત્રે વધુ સારી તકો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આણંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે આણંદ નગરપાલિકા દ્વારા આશરે ૭ એકર જમીન માત્ર રૂ.૧ના ટોકન ભાડાથી ફાળવવામાં આવી છે. આ જમીન પર ગુજરાત સરકાર દ્વારા રૂ.૨૨.૫૨ કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વિવિધ રમતો માટે આધુનિક સુવિધાઓ

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમમાં બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, ટેબલ ટેનિસ તથા જિમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જ્યારે આઉટડોર ગ્રાઉન્ડમાં બાસ્કેટબોલ, હોકી અને ટેનિસ સહિતની વિવિધ રમતો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્થાનિક રમતવીરો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત રમતગમતની પ્રવૃત્તિઓ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવશે.

ધારાસભ્ય યોગેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ રમત સંકુલ આગામી સમયમાં રાજ્યના યુવાનો માટે પોતાની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનું ઉત્તમ મંચ બનશે. આગામી ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ તૈયાર કરવામાં પણ આ પ્રકારની આધુનિક સુવિધાઓ મહત્વપૂર્ણ સાબિત થશે.લોકાર્પણ બાદ ધારાસભ્ય, કલેક્ટર તથા અન્ય પદાધિકારીઓએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓની માહિતી મેળવી હતી. આ દરમિયાન મહાનુભાવોએ ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતોમાં પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કોર્પોરેટરો, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા

    આણંદ:15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યાત્રાઓમાં વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, NCC…

    ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

    આણંદ: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *