નડિયાદ: આગામી રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને લાગણીનું પ્રતિક એવી રાખડી સમયસર અને સુરક્ષિત રીતે પહોંચે તે હેતુથી ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશેષ તહેવારી ઓફરની જાહેરાત કરવામાં આવી છે.ભારતીય ટપાલ વિભાગ દ્વારા તા. ૧૨ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી રાખડી મોકલવા માટે સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સર્વિસના પોસ્ટેજ ચાર્જમાં ૧૦% વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સુવિધાનો લાભ નિર્ધારિત સમયગાળા દરમિયાન તમામ પોસ્ટ ઓફિસોમાંથી મેળવી શકાશે.
રાખડી મોકલવા માટે ખાસ સૂચના
રાખડી મોકલવા માટેના કવર પર આગળના ભાગે “આ કવરમાં રાખડી છે” તે શબ્દો સ્પષ્ટપણે અને મોટા અક્ષરોમાં દર્શાવવાના રહેશે.આ ઉપરાંત, પોસ્ટ ઓફિસોમાં રાખડીને વરસાદ કે ભેજથી સુરક્ષિત રાખવા માટે ખાસ વોટરપ્રૂફ રાખડી કવર પણ ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.
ઇન્ડિયા પોસ્ટનું વિશ્વસનીય નેટવર્ક
ભારતીય ટપાલ વિભાગનું દેશવ્યાપી મજબૂત અને વિશ્વસનીય નેટવર્ક તહેવારો દરમિયાન રાખડી અને શુભેચ્છા સંદેશાઓને દેશના વિવિધ વિસ્તારોમાં સુરક્ષિત, ઝડપી અને સમયસર પહોંચાડવા માટે કાર્યરત છે. શહેરોથી લઈને અંતરિયાળ વિસ્તારો સુધીની પહોંચને કારણે ઇન્ડિયા પોસ્ટ તહેવારો દરમિયાન લોકો માટે વિશ્વસનીય સેવા બની રહે છે.
લોકોને વિશેષ ઓફરનો લાભ લેવા અપીલ
વરિષ્ઠ અધિક્ષક ડાક ઘર, ખેડા ડિવિઝન, નડિયાદના શ્રી કે. એમ. ચૌહાણે જણાવ્યું હતું કે, રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસનું પવિત્ર પર્વ છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સર્વિસ મારફતે રાખડી મોકલવા પર ૧૦% વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમણે લોકોને આ વિશેષ ઓફરનો લાભ લેવા અપીલ કરી હતી.આ અંગેની વિગતો વરિષ્ઠ અધિક્ષક ડાક ઘર, ખેડા ડિવિઝન, નડિયાદ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.





