મહેમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘જન સેવા થી રાષ્ટ્ર સેવા’ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યએ લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ઉપસ્થિત લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરીને અનેક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
‘સેવા સેતુ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની જનસમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાની સાથે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે.ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જનસમસ્યાઓનું ઝડપી નિરાકરણ અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ જ જનસેવાનો સંકલ્પ છે.
વિવિધ સેવાઓની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ
ધારાસભ્યએ કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની મુલાકાત લીધી હતી. તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરીને સેવા સેતુ કાર્યક્રમ અંગે તેમના વિચારો અને પ્રતિભાવો જાણ્યા હતા.આ પ્રસંગે મામલતદાર વિક્રમ દેસાઈ, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





