આણંદ : રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ના અનુસંધાનમાં પેટલાદ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો. સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ, સંસ્કૃત ગાન અને ગૌરવ સૂત્રોચ્ચાર સાથે યાત્રા પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.આ યાત્રામાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃત વિદ્વાનો અને સંસ્કૃત ભાષાપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી ભાષા છે. અનેક ભાષાઓના વિકાસમાં સંસ્કૃતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. દરેક વ્યક્તિએ સંસ્કૃત ભાષા શીખવાનો પ્રયાસ કરવો જોઈએ.”
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સમગ્ર ઉદબોધન સંસ્કૃત ભાષામાં કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે સંસ્કૃત ભાષાના મહત્વ અંગે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત ભારતની સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી ભાષા છે. લોકો સંસ્કૃત ભાષાનું મહત્વ સમજે અને સંસ્કૃત સપ્તાહ મહોત્સવમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ તથા સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, શિક્ષણ વિભાગના અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, નગરજનો, વિદ્યાર્થીઓ તથા સંસ્કૃત ભાષાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્કૃત ગૌરવ યાત્રા દરમિયાન શહેરમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગભેર યોજાયો હતો.





