નડિયાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બ્રહ્માકુમારી યુવાપ્રભાગની રાષ્ટ્રીય સેવા યોજનાનો વર્ચ્યુઅલ શુભારંભ

ખેડા: બ્રહ્માકુમારી સંસ્થાની સ્થાપનાનાં 90 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘નવદશકોત્સવ’ અંતર્ગત યુવાપ્રભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની યુવા સેવા યોજના ‘વિકસિત ભારત માટે યુવા – રાષ્ટ્ર નિર્માણ માટે આંતરિક શક્તિની જાગૃતિ’નો વર્ચ્યુઅલ શુભારંભ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે કરવામાં આવ્યો હતો.ગતરોજ નડિયાદમાં મહાગુજારાત સર્કલ પાસે કોલેજ રોડ સ્થિત બ્રહ્માકુમારી પ્રભુશરણમ્ ખાતે યુવાનોની વિશાળ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય કક્ષાના આ યુવા પ્રકલ્પનું લોન્ચિંગ નડિયાદ ખાતે થવું સમગ્ર નડિયાદ અને ખેડા જિલ્લા માટે ગૌરવની બાબત બની હતી.

યુવાનોમાં આંતરિક શક્તિ અને રાષ્ટ્રભાવના વિકસાવવાનો સંકલ્પ

આ રાષ્ટ્રીય યુવા સેવા યોજના અંતર્ગત રાજયોગ અને ધ્યાન દ્વારા યુવાનોમાં એકાગ્રતા અને આંતરિક શક્તિનો વિકાસ કરવાનો હેતુ છે. આ ઉપરાંત લક્ષ્ય નિર્ધારણ, આત્મશિસ્ત, નવીન વિચારધારા, રાષ્ટ્રપ્રેમ, નાગરિક જવાબદારી તેમજ નશામુક્ત અને મૂલ્યનિષ્ઠ જીવનશૈલી માટે યુવાનોને પ્રેરિત કરવામાં આવશે.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરી યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રેરણા પૂરી પાડી હતી.

2047 સુધી ભારતે આધ્યાત્મિક રીતે પણ વિકસિત થવાનું છે: રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પ્રકલ્પનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરી પોતાના સંબોધનમાં ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાન નડિયાદમાં વિકસિત ભારત માટે યુવાનોના યોગદાનને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય પ્રકલ્પનું લોન્ચિંગ કરતાં તેમને આનંદ થઈ રહ્યો છે. સરદાર પટેલનું રાષ્ટ્રસેવાનું જીવન યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધી આપણે ફક્ત આર્થિક રીતે જ નહીં, પરંતુ આધ્યાત્મિક રીતે પણ વિકસિત થવાનું છે. આપણે એવા યુવાનો તૈયાર કરવાના છે, જેઓ જ્ઞાન, ટેકનોલોજી અને કૌશલ્યથી સજ્જ હોય. આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે.ભારતે વિશ્વને યોગ, ધ્યાન, અહિંસા, કરુણા અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના આપી છે. આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે, જે આર્થિક રીતે સમૃદ્ધ, વૈજ્ઞાનિક રીતે શક્તિશાળી, સામાજિક રીતે સમાવેશી અને આધ્યાત્મિક રીતે જાગૃત હોય. તેમણે આ પ્રકલ્પની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

મહાનુભાવો અને યુવાનોની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

આ પ્રસંગે નડિયાદ કોર્પોરેશનના મેયર મનીષ પટેલ, ડીવાયએસપી દિવ્યા જાડેજા, પ્રાંત અધિકારી ચિરાગ નિમાવત, જાણીતા મોટિવેશનલ સ્પીકર હાર્દિક યાજ્ઞિક, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, યુવાપ્રભાગનાં ચેરપર્સન ચંદ્રિકાબેન, નેશનલ કો-ઓર્ડિનેટર કૃતિબેન અને ઝોનલ કો-ઓર્ડિનેટર જાગૃતિબેન સહિત ગુજરાતભરમાંથી યુવાપ્રભાગના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર આયોજન નડિયાદ સબઝોનનાં સંચાલિકા બ્રહ્માકુમારી પૂર્ણિમાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નડિયાદની વિવિધ શાળા-કોલેજોના આચાર્યો, શિક્ષકો અને યુવા સંસ્થાઓના અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.કાર્યક્રમના અંતે બીપીનભાઈએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

યુવાપ્રભાગ દ્વારા દેશભરમાં યુવા સેવા પ્રવૃત્તિઓ હાથ ધરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્માકુમારી સંસ્થાનો યુવાપ્રભાગ લાંબા સમયથી યુવા સંમેલન, યુથ ફેસ્ટિવલ, યુથ પાર્લામેન્ટ, યુવા સંવાદ, વર્કશોપ અને જનજાગૃતિ અભિયાનો દ્વારા યુવાનોમાં આંતરિક જાગૃતિ અને મૂલ્યનિષ્ઠ જીવનશૈલીના વિકાસ માટે કાર્યરત છે.

નવા રાષ્ટ્રીય પ્રકલ્પ હેઠળ સમગ્ર ભારતમાં યુવાપ્રભાગના સભ્યો દ્વારા વિવિધ ક્ષેત્રના યુવાનો સુધી પહોંચીને તેમની સેવા કરવામાં આવશે. આ પહેલ દ્વારા યુવાનોમાં આત્મવિશ્વાસ, આંતરિક શક્તિ, સકારાત્મક વિચારધારા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

  • Related Posts

    માતર તાલુકાના મરાલા ગામે રૂ. 12 લાખના ખર્ચે નવીન આંગણવાડી મકાનનું ખાતમુહૂર્ત

    ખેડા: ખેડા જિલ્લાના માતર તાલુકાના મરાલા ગામના ગાયત્રીનગર વિસ્તારમાં નવીન આંગણવાડી મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *