ખેડા: ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવી તેમને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) યોજના હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે ‘મંગલમ કેન્ટીન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.‘મંગલમ કેન્ટીન’નું ઉદ્ઘાટન કપડવંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી રાજેશભાઈ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
મહિલા સ્વસહાય જૂથ દ્વારા કેન્ટીનનું સંચાલન
આ ‘મંગલમ કેન્ટીન’નું સંચાલન લેટરગામના માહી સખી મંડળ દ્વારા કરવામાં આવશે. એન.આર.એલ.એમ. યોજના હેઠળ મહિલા સ્વસહાય જૂથ સાથે જોડાયેલી બહેનોને આજીવિકાની સ્થાયી તકો ઉપલબ્ધ થાય અને તેમની આવકમાં વધારો થાય તેવા હેતુથી આ પહેલ કરવામાં આવી છે.તાલુકા પંચાયત કચેરી ખાતે શરૂ થયેલી આ કેન્ટીનના માધ્યમથી કચેરીમાં આવતા અરજદારો, મુલાકાતીઓ તેમજ કર્મચારીઓને ગુણવત્તાયુક્ત નાસ્તો અને ભોજન સહિતની સેવાઓ ઉપલબ્ધ થશે.
મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક
‘મંગલમ કેન્ટીન’ દ્વારા સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી મહિલાઓને પોતાની કુશળતાના આધારે વ્યવસાયિક પ્રવૃત્તિ હાથ ધરી આવક મેળવવાની તક મળશે. આ પહેલથી મહિલાઓને સ્વરોજગાર સાથે જોડાવા ઉપરાંત તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં પણ મદદરૂપ બનશે.
સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને ગ્રામ્ય આજીવિકા સંવર્ધનની દિશામાં હાથ ધરવામાં આવેલી આ પહેલ ગ્રામ્ય મહિલાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આવી પ્રવૃત્તિઓના માધ્યમથી ગ્રામ્ય મહિલાઓને આર્થિક પ્રવાહમાં વધુ સક્રિય રીતે જોડાઈ આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે.





