આણંદ: જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી તેજલબેનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે આંગણવાડી કેન્દ્રોને સુંદર રોશની અને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યા હતા. નાનકડા ભૂલકાંઓમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન આંગણવાડીના બાળકો શ્રીકૃષ્ણ અને રાધાજીના મનમોહક વેશમાં સજ્જ થઈને આવ્યા હતા. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, બાળલીલાઓ તેમજ જન્માષ્ટમીના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે સરળ અને રસપ્રદ રીતે સમજ આપવામાં આવી હતી.
બાળકોએ શ્રીકૃષ્ણના બાળસ્વરૂપને અનુરૂપ વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં વિશેષ ‘મટકી ફોડ’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ખૂબ જ આનંદપૂર્વક ભાગ લીધો હતો.
આ ઉપરાંત કૃષ્ણ ભજનો અને મધુર બાળગીતોની ગુંજથી સમગ્ર આંગણવાડી પરિસર કૃષ્ણમય બની ગયું હતું. નાનકડા ભૂલકાંઓની સાંસ્કૃતિક કૃતિઓ અને ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમમાં અનોખી રોનક જોવા મળી હતી.
બાળવયથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય
જન્માષ્ટમીની આ ઉજવણીના માધ્યમથી બાળવયથી જ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો પ્રત્યે આદર તથા જાગૃતિ કેળવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આંગણવાડી કાર્યકર બહેનોના આયોજન અને મહેનતના પરિણામે જન્માષ્ટમીની ઉજવણી બાળકો તેમજ વાલીઓ માટે આનંદદાયક, પ્રેરણાદાયી અને યાદગાર બની રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રો કાનુડાના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યા હતા.





