અમદાવાદ શહેરની પ્રજા જે પોલીસ પાસે રક્ષણની આશા રાખે છે, તે જ પોલીસ હવે પ્રજા પર દાદાગીરી પર ઉતરી આવી હોય તેવો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને એક મહિલા પર હાથ ઉઠાવ્યો હોવાની ગંભીર ઘટના બની છે. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ મામલાની ગંભીરતા જોતા હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામના પોલીસકર્મી ફરજ બજાવે છે. આ દરમિયાન એક મહિલાના આઈડી કાર્ડની આપ-લે કરતી વખતે આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું. આ સામાન્ય બાબતે પોલીસકર્મી જયંતી ઝાલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ખાખી વર્દીનો પાવર બતાવીને મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો.
ડીસીપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા શિસ્તભંગના કિસ્સામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
જોકે, આ મામલે માત્ર પોલીસકર્મી જ નહીં પરંતુ મહિલા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે






