
અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું. ઘટનાની જાણ થતાં તુરંત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી હતી.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશામાં ધૂત પૂરપાટ ઝડપે આવતા કારચાલકે મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો. કારચાલક ધવલરાજ ભુવનેતરે દાણીલીમડા સર્કલ પાસે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં. કાર એટલી સ્પીડમાં હતી કે, ડ્રાઇવર તેના પર કાબૂ ન મેળવી શક્યો અને ગાડી ફૂટપાથ પર ચઢી ગઈ. આ સિવાય રોડ પરના મંદિરે ગાડીની ટક્કર થતાં મંદિર પણ તૂટી ગયું હતું. બાદમાં સ્થાનિકો દ્વારા તુરંત જ નબીરાને ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.
નોંધનીય છે કે, સદ્નસીબે અકસ્માતમાં કોઈનું મોત નથી નિપજ્યું. તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલ અકસ્માત સર્જનાર આરોપી સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.