આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે 77મા વન મહોત્સવ-2026 અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી એડીઆઇટી કોલેજના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન. ડોડીયા, ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર તેમજ આણંદના નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
“એક પેડ મા કે નામ” અભિયાનને વેગ
આ પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ મા કે નામ” અભિયાનના સંકલ્પને સાકાર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક પરિવાર અને વ્યક્તિ સુધી વૃક્ષારોપણનો સંદેશ પહોંચાડવાનો છે.દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ કાર્યથી પ્રેરાઈને કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારને હરિયાળો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે 1.25 લાખ નવા વૃક્ષો વાવી પર્યાવરણને સમૃદ્ધ બનાવવામાં આવશે, તેમ શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું.
“એક વ્યક્તિ, એક વૃક્ષ”નો સંકલ્પ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ અને કમિશનર શ્રી આર.એન. ડોડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને હરિત ક્રાંતિમાં જોડાવા અને “એક વ્યક્તિ, એક વૃક્ષ” વાવી તેનું જતન કરવા આહ્વાન કર્યું હતું.
પ્રારંભમાં આણંદ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીણાએ સૌનું સ્વાગત કરી વન મહોત્સવની ઉજવણી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
શ્રેષ્ઠ વન કર્મીઓનું સન્માન અને વૃક્ષરથને પ્રસ્થાન
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વૃક્ષરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, જેના માધ્યમથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રકારના છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
મહાનુભાવોના હસ્તે એડીઆઇટી કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
પર્યાવરણની જાળવણી અને હરિયાળા આણંદના નિર્માણના હેતુસર યોજાયેલા આ વન મહોત્સવ પ્રસંગે મનપાના નાયબ કમિશનર શ્રી એસ.કે. ગરવાલ અને શ્રી ડોડીયા, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, લોકપ્રતિનિધિઓ, એડીઆઇટી કોલેજના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ, નાગરિકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





