ખેડા: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નડિયાદ દ્વારા ખેડા તાલુકાના સાંખેજ ગામ ખાતે આવેલા શ્રી શિવશક્તિ ફાર્મમાં અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બાગાયત વિભાગની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અંગે ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં ખેડા તાલુકા સહિતના ૧૦૦થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
તાલીમ દરમિયાન બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગે ખેડૂતોને સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિકા (સ્ટાઇપેન્ડ), બાગાયતી પાકોના ક્લસ્ટરોને કાપણી બાદની વ્યવસ્થા તથા બજાર સાથે જોડાણ માટે વ્યક્તિગત, ખાનગી સંસ્થા, FPO/FPC અને સહકારી સંસ્થાઓને માળખાકીય સુવિધા પૂરી પાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કાચા મંડપ હેઠળ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, પાકા મંડપ અને વેલાવાળા શાકભાજીના પેડલ, અર્ધપાકા મંડપ, આંબા તથા લીંબુના જૂના બગીચાઓના નવસર્જન માટે સહાય, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ઓઈલ પામ, પ્રાકૃતિક ખેતી તેમજ PMFME યોજના અંગે પણ ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
તાલીમ કાર્યક્રમમાં બાગાયત અધિકારીઓ શ્રી હરેશ ચૌધરી અને શ્રી મયુર ગોસ્વામી, આત્મા કચેરીના ભાવિનભાઈ, પ્રાકૃતિક બોર્ડના મયુરભાઈ, ખેડા તાલુકા વિસ્તરણ અધિકારી, સેવા સંસ્થા અમદાવાદનાં હંસાબેન, બિગ બાસ્કેટ કંપનીના કિરીટભાઈ, પોર્યસ્પીયર ફૂડ પ્રાઇવેટ લિમિટેડ ઓર્ગેનિક મિલ સર્વિસ પ્રોવાઇડર કંપનીના યશ પટેલ અને સાગર મિસ્ત્રી તેમજ શ્રી શિવશક્તિ ઓર્ગેનિક ફાર્મના શિવમ પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર વિગતો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નડિયાદ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.





