ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે આવેલી જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળામાં અંદાજિત રૂ.69.80 લાખના ખર્ચે નવનિર્મિત ચાર વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ નાણા રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તથા પૂજ્ય મહંત શ્રી મસ્ત બાલુરામ મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, શાળામાં નિર્માણ પામેલા સુવિધાજનક નવા વર્ગખંડો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક માળખું અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવી સરકારની પ્રાથમિકતા છે. શાળાઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
દાતાશ્રીઓનું સન્માન
લોકાર્પણ પ્રસંગે શાળા માટે જમીન દાન આપનાર દાતા પરિવાર, આર.ઓ. પ્યુરિફાયર મશીનના દાતાશ્રીઓ તેમજ ગામના અન્ય સહયોગી દાતાઓનું મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત
લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયત કારોબારી પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન વાઘેલા, અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી જગદીશભાઈ વણકર, તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઈ પટેલ તથા શ્રી દિનેશભાઈ ઠાકોર, જોગણ ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, દાતાશ્રીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





