
દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એમાં કોઈને શંકા નથી. પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક આંતરરાષ્ટ્રીય સંશોધનના પરિણામો આ માન્યતાને અમુક હદ સુધી પડકારે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દારૂ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઓછું થઈ શકે છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL) માં વધારો થઈ શકે છે. જો કે, નિષ્ણાતોએ ચેતવણી પણ આપી છે કે આ સંશોધનનો અર્થ એ નથી કે લોકોએ દારૂ પીવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણ કે તેના ઘણા ગંભીર ગેરફાયદા છે.
સંશોધનમાં શું જાણવા મળ્યું?
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના અભ્યાસમાં લગભગ 58,000 પુખ્ત જાપાની લોકોના તબીબી રેકોર્ડનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું હતું, જેમણે એક વર્ષ સુધી નિયમિત હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકો અગાઉ દારૂ પીતા નહોતા અને પછી અભ્યાસ દરમિયાન દારૂ પીવાનું શરૂ કરતા હતા તેમનામાં ખરાબ કોલેસ્ટ્રોલના લેવલમાં ઘટાડો અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો થયો હતો. તે જ સમયે, જે લોકો પહેલા દારૂ પીતા હતા અને પછી છોડી દેતા હતા, તેમનું ખરાબ કોલેસ્ટ્રોલ વધ્યું અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટ્યું હતું. આ અભ્યાસના તારણો ગુરુવારે જ JAMA નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થયા હતા. સંશોધનના આ પરિણામો આશ્ચર્યજનક છે અને વૈજ્ઞાનિકોએ તેનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
દારુ પીવું આરોગ્ય માટે હાનિકારક
સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો મધ્યમ માત્રામાં દારૂ પીવે છે તેમને હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ તુલનાત્મક રીતે ઓછું હોય છે. જોકે, નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે વધુ પડતું દારૂ પીવાથી લીવર રોગ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર સહિત અનેક રોગો થઈ શકે છે.
તો શું દારૂ પીવો યોગ્ય છે?
નિષ્ણાંતો કહે છે કે ફક્ત કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દારૂ પીવો યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિ દારૂ છોડી દે છે, તો તેણે પોતાના કોલેસ્ટ્રોલ લેવલનું ચેકઅપ કરાવવું જોઈએ અને તેને સંતુલિત રાખવા માટે અન્ય સ્વસ્થ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. સંશોધકોએ સ્પષ્ટતા કરી કે તેમના તારણોના આધારે, દારૂ પીવાને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં.