ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન નવલોકાર્પિત ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈને તેમના આગામી કાર્યક્રમ માટે રવાના થયા હતા.
નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફના રોડ પર સતાધાર ચાર રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા ૯૦ કરોડના ખર્ચે ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. ૯૩૬ મીટર લંબાઈ અને ૧૬.૬૦ મીટર પહોળાઈ ધરાવતો આ ફ્લાયઓવર બ્રિજ બનતાં ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે. સતાધાર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થતાં વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સતાધાર જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું તેમજ ઓવરબ્રિજનો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય પ્રધાન દર્શનાબહેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ મહાનગર પાલિકાના વહીવટદાર મૂકેશ કુમાર, કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ મહાનગર પાલિકાના ભૂતપૂર્વ પદાધિકારીઓ તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.





