
અભિનેતા આમિર ખાન ગઈકાલે કચ્છના નાના એવા કોટાય ગામમાં પહોંચ્યા હતા. જ્યા તેઓએ ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી. અહિં આવતા જ પોતાના જિગરી દોસ્ત ધનાભાઈને મળી આમિર ખાન ભેટી પડ્યા હતા.ગ્રામજનો સાથે લગાન ફિલ્મ સમયની યાદો તાજી કરી હતી.
આમિર ખાન કોટાય ગામમાં બે કલાકથી પણ વધુ સમય સુધી રોકાયા હતા. તેઓએ બાળકો સાથે નીચે બેસીને ફિલ્મને માણી હતી.
આમિર ખાને તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને તરત જ યુટ્યૂબ મૂવીઝ-ઓન-ડિમાન્ડ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. એના માટે તે કચ્છ પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ આગમન થયા બાદ તે સીધો જ માધાપર ગામ પહોંચ્યો હતો અને બે દાયકા જૂના મિત્ર ધનાભાઈ ચાડ સાથે મુલાકાત કરી હતી.
એ બાદ તે ધનાભાઈ ચાડ અને તેમનાં પરિવારજનો સાથે કોટાય ગામ પહોંચ્યા હતા. કચ્છ અને આમિર ખાનને જૂનો સંબંધ છે. લગાન ફિલ્મનું કચ્છમાં શૂટિંગ કર્યા બાદ આમિર ખાન કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે. કોટાયની શાળામાંથી ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી.
આપણો દેશ વિશાળ છે, દરેક નાના શહેરમાં થિયેટર નથી, ત્યારે દરેક લોકો ફિલ્મ માણી શકે તે માટે યુ ટ્યુબ પર રિલિઝ કરી: આમિર
અભિનેતા આમિરખાને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, સૌ પ્રથમ મારા મનમાં ખયાલ આવ્યો કે સિતારે જમીન પર ફિલ્મ પ્રેરણાદાયી છે તેથી તે દરેક લોકો સુધી પહોંચે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો પણ સરળતાથી આ ફિલ્મ માણી શકે તે માટે મેં ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મના બદલે યુ ટ્યુબ ઉપર પબ્લિશ કરવાનું નક્કી કર્યું.
આ વિશે મારી ટીમને વાત કરી હતી. મારી ટીમે મને કહ્યું કે, દરેક ગામ સુધી આ ફિલ્મ પહોંચાડવી હોય તો તેનું પ્રમોશન કોઈ નાના ગામથી કરીએ. એટલે તુરંત મને સૂઝી આવ્યું કે, કચ્છના કોટાય ગામમાં આ ફિલ્મનું સ્ક્રીનીંગ કરવામાં આવે, કારણ કે કોટાય ગામથી મને હંમેશા લગાવ રહ્યો છે.
ખાસ કરીને અહીંના ધનાભાઈ ચાડ સાથે લગાન ફિલ્મના શૂટિંગ સમયથી મિત્રતા છે. બસ આજે નક્કી થયા મુજબ કોટાય ગામમાં તેનું સફળ સ્ક્રીનિગ કરવામાં આવ્યું છે.
આ ઘટના હિન્દી ફિલ્મ જગતમાં પ્રથમ વખત કહી શકાય કે એક નાના ગામથી ફિલ્મ યુ ટ્યુબ ઉપર રિલીઝ કરાઈ હોય. માત્ર 100 રૂપિયામાં દરેક લોકો ભેગા મળીને જોઈ શકે તેવી વ્યવસ્થા કરી છે.
આમિર ખાને વર્ષો જૂના ફિલ્મ શૂટિંગમાં સહયોગ આપનાર કોટાય ગામના વડીલોને ગળે મળી ખુશી જાહેર કરી હતી. સૌને આ ફિલ્મ યુટ્યૂબ પર આજે જોવા નમ્ર અપીલ પણ કરી હતી. ત્યાર બાદ બાળકો સાથે જમીન પર જ બેસી ફિલ્મને સ્ક્રીન પર નિહાળી હતી.
આ સિવાય પોતાની હેર સ્ટાઇલ વિશે જણાવતા કહ્યું કે, હું દરેક ફિલ્મ પુરી કર્યા બાદ વાળ અને દાઢી-મૂછ વધારું છું, આગામી કોઈ ફિલ્મમાં તેની જરૂર પડી જાય. ફિલ્મ અંગે કહ્યું કે, આમાં અમે 10 એવા કલાકારો સાથે કામ કર્યું છે જે હકીકતમાં શારીરિક ખોટ ધરાવે છે. આ અનુભવ મને શૂટિંગ દરમિયાન અને ફિલ્મ જોવા સમયે ઘણી વખત ભાવુક કરી જાય છે, કારણ કે હું બહુ ઇમોશનલ છું.