કપડવંજ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની વાંચનપ્રેમી જનતાને અનમોલ ભેટરૂપે સરકારી તાલુકા ગ્રંથાલય, કપડવંજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના વરદ હસ્તે આ ગ્રંથાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, નવનિર્મિત આ ગ્રંથાલય કપડવંજ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને જાહેર જનતા માટે જ્ઞાન, વાંચન અને વ્યક્તિત્વ વિકાસની નવી તકો ઊભી કરશે.
તેમણે ઉપસ્થિત સૌને ગ્રંથાલયનો વધુમાં વધુ લાભ લેવા અને સમાજમાં પુસ્તક વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.
ગ્રંથાલય જ્ઞાન અને વ્યક્તિત્વ વિકાસનું કેન્દ્ર: એન.આઈ.રોહિત
આ પ્રસંગે મદદનીશ ગ્રંથપાલ એન. આઈ. રોહિતે ગ્રંથાલયમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ, પુસ્તકસંગ્રહ તેમજ વિદ્યાર્થીઓ અને વાચકો માટે હાથ ધરવામાં આવનારી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, “ગ્રંથાલય માત્ર પુસ્તકો મેળવવાનું સ્થળ નથી, પરંતુ જ્ઞાન, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસનું કેન્દ્ર છે.”આધુનિક સમયમાં યુવા પેઢી મોબાઈલ તરફ વધુ વળી રહી છે ત્યારે કપડવંજ તાલુકામાં શરૂ થયેલું આ ગ્રંથાલય જાહેર જનતા માટે આશીર્વાદરૂપ બની રહેશે. ગ્રંથાલય માત્ર જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતું નથી, પરંતુ નવા સમાજના ઘડતર અને નવા વિચારોના સિંચન માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પણ મળશે લાભ
સરકારી જિલ્લા પુસ્તકાલય, નડિયાદના ગ્રંથપાલ વી. જી. સુથારે નવા શરૂ થયેલા સરકારી તાલુકા ગ્રંથાલયમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પુસ્તકો અંગે માહિતી આપી હતી.ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સંદર્ભ ગ્રંથો, નવલકથાઓ, ધાર્મિક સાહિત્ય, જીવનચરિત્રો, બાળસાહિત્ય, ગુજરાતી સાહિત્ય, સામાયિકો અને અખબારો સહિત વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.આથી કપડવંજ શહેર તેમજ તાલુકાના વિદ્યાર્થીઓ, યુવાનો અને વાંચનપ્રેમીઓને અભ્યાસ અને જ્ઞાનવર્ધન માટે એક સુવિધાયુક્ત સ્થળ મળી રહેશે.
વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ
ગ્રંથાલયના લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયંતીભાઈ પરમાર, કપડવંજ નગરપાલિકા પ્રમુખ સેજલબેન પટેલ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ, APMC કપડવંજના ચેરમેન તથા વાઇસ ચેરમેન, કપડવંજ તાલુકા સંગઠન પ્રમુખ અને કાર્યકર્તાઓ સહિત તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મદદનીશ ગ્રંથાલય નિયામક, અમદાવાદ તેમજ વિભાગીય કચેરી હેઠળના ગ્રંથાલય ખાતાના કર્મચારીઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતાના નિયામક, ગ્રંથાલય, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે મદદનીશ ગ્રંથાલય નિયામક, અમદાવાદ વિભાગ, અમદાવાદ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કપડવંજના વાંચનપ્રેમીઓ માટે નવી શરૂઆત
સરકારી તાલુકા ગ્રંથાલય શરૂ થતાં કપડવંજ તાલુકાના વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ, યુવાનો અને વાંચનપ્રેમીઓને એક જ સ્થળે વિવિધ વિષયોના પુસ્તકો અને વાંચન સામગ્રી ઉપલબ્ધ થશે. આ ગ્રંથાલય તાલુકામાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તેમજ જ્ઞાન આધારિત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.





