સોમનાથ મંદિરઃ ઇસ્લામ પહેલાં અરેબિયામાં પૂજાતી દેવીઓનો સોમનાથ સાથે કોઈ સંબંધ છે ખરો?

સોમનાથ હાલમાં સરકારીતંત્ર દ્વારા સોમનાથ મંદિરની આસપાસનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવાનાં પગલાંને કારણે ચર્ચામાં છે.

ગુજરાતના પશ્ચિમ સાગર તટે આવેલું સોમનાથ મંદિર દેશના સૌથી મહત્ત્વનાં મંદિરો પૈકીનું એક છે.ઇતિહાસનાં પુસ્તકો જણાવે છે કે ગઝનીના મહમદે ઈસવીસન 1026માં કરેલા હુમલામાં સોમનાથ મંદિરનો સૌપ્રથમ વાર નાશ થયો હતો.1947માં દેશને સ્વતંત્રતા મળ્યા બાદ તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં મદદ કરી હતી.1951માં મંદિરના જીર્ણોદ્ધાર પછી તેનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ રાજેન્દ્રપ્રસાદને આપવામાં આવ્યું હતું.તેમણે નેહરુની સલાહ અવગણીને દેશના રાષ્ટ્રપતિ તરીકે ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી હતી અને તેનું આધિકારિકપણે ઉદ્ઘાટન કર્યું હતું.અગાઉ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિર વિશે વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, “આ મંદિર સોમનાથ મહાદેવના, ભગવાન શિવનાં 12 પ્રાચીન મંદિરોની શ્રેણીમાંનું પ્રથમ મંદિર છે. ભગવાન શ્રીકૃષ્ણે આ મંદિરેથી તેમની અંતિમ યાત્રા કરી હતી.”સમકાલીન ઇતિહાસકારોના પ્રમાણે દરિયાકાંઠે આવેલું આ મંદિર મહમૂદના જમાનામાં ગુજરાતનું ભવ્ય મંદિર હશે.મહમૂદ ગઝનવીએ દરિયાકાંઠે આવેલા પથ્થરના આ મંદિરને માત્ર લૂંટ્યું જ ન હતું, પરંતુ મંદિરમાંની મૂર્તિઓ તોડી નાખી હતી.

મહમદ ગઝનવી સમયના ઇતિહાસકારો અને એ પછીના સલ્તનત યુગના મહત્ત્વના અનેક ઇતિહાસકારોએ તેમનાં પુસ્તકોમાં મહમૂદ ગઝનવીના સોમનાથ પરના હુમલાનો ઉલ્લેખ કર્યો છે.મોટા ભાગે સોમનાથ મંદિરમાંની મૂર્તિનો ઉલ્લેખ “મનાત” અને “લાત”ની મૂર્તિ તરીકે કર્યો છે.ઇસ્લામ પહેલાં લાત તથા મનાત આરબોની બે મુખ્ય દેવી હતી અને તેમને “ભગવાનની દીકરીઓ” માનવામાં આવતી હતી. તેમની મૂર્તિઓ કાબામાં રાખવામાં આવી હતી. અને મનાતાની એક મોટી મૂર્તિ મક્કા અને મદીના વચ્ચે એક શહેરમાં સ્થાપિત કરાઈ હતી.ઇસ્લામના આગમન પછી અન્ય મૂર્તિઓની સાથે આ મૂર્તિઓને પણ તોડી નાખવામાં આવી હતી.બે સમકાલીન ઇતિહાસકારો અને મહમૂદ ગઝનવીના કવિઓએ સોમનાથ પરના હુમલાની ઘટનાનું અતિશયોક્તિપૂર્ણ વર્ણન કર્યું છે. ફારુખી સિસ્તાની એ સમયના અગ્રણી કવિ હતા અને ઝડપથી વિસ્તરી રહેલા ગઝનીના દરબાર સાથે સંકળાયેલા હતા.તેઓ કસિદા પ્રકારનાં કાવ્યો લખવામાં ઉસ્તાદ હતા. આ શૈલીનાં કાવ્યોમાં રાજાનાં પરાક્રમો અને સિદ્ધિઓનું અતિશયોક્તિપૂર્ણ અને કાલ્પનિક બયાન હોય છે.ફારુખીએ એવો ઉલ્લેખ કર્યો છે કે ગઝનવીએ સોમનાથ પર ચડાઈ કરી ત્યારે તેઓ તેમની સાથે હતા, પરંતુ મહમૂદ ગઝનવી દ્વારા મંદિર પરના હુમલા અને તેને તોડી પાડવાનો કોઈ સુસંગત ઉલ્લેખ નથી.

અરેબિયામાં પૂજાતી દેવીઓનો સોમનાથ સાથે શું છે સંબંધ?

એ સમયના સૂફી ફરિદુદ્દીન અત્તરે સોમનાથની મૂર્તિનું શ્રેય ઇસ્લામ પૂર્વે અરેબિયામાં પૂજાતી લાત દેવીને આપ્યું હતું.એક અન્ય સમકાલીન ઇતિહાસકાર ગુર્દેઝી હતા. તેમણે તેમના પુસ્તક ‘ઝૈન-ઉલ-અખબર’માં 30 વર્ષ પછી સોમનાથની ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. સિસ્તાની અને ગુર્દેઝી બન્નેએ સોમનાથ મંદિર પરના ગઝનવીના આક્રમણને વિચિત્ર રીતે વાજબી ઠેરવ્યું હતું.પર્શિયન પુસ્તકોમાં સોમનાથને “સો-મનાત” કહેવામાં આવતું હતું. સોમનાથ મંદિર પરના હુમલાના સંદર્ભમાં સમકાલીન ઇતિહાસકારોએ મહમદને ઇસ્લામના આગમન પહેલાં પૂજવામાં આવતી મૂર્તિઓનો નાશ કરનારો ગણાવ્યો હતો.ફારુખી સિસ્તાનીના જણાવ્યા અનુસાર, “સોમનાત શબ્દ સુ -મનાત શબ્દનો અપભ્રંશ હતો, જે અરબી દેવી મનાત સાથે સંકળાયેલો હતો. અરેબિયામાં ઇસ્લામ પૂર્વેના ધર્મોમાં મનાતને દેવી તરીકે પૂજવામાં આવતાં હતાં. ઇસ્લામ પહેલાં આરબો “ઈશ્વરની પુત્રીઓ તરીકે” લાત, ઉઝા અને મનાતની પૂજા કરતા હતા. ઇસ્લામના આગમન પહેલાં યમન, સીરિયા, ઇથિયોપિયા, ઇજિપ્ત અને ઇરાકના લોકો હજ માટે કાબા આવતા હતા ત્યારે તવાફ પછી મનાતનાં મંદિરોમાં પણ જતા હતા.લાત, મનાત અને ઉઝાની મૂર્તિઓ કાબામાં રાખવામાં આવી હતી. અન્ય મૂર્તિઓની સરખામણીએ તેમનો દરજ્જો ઊંચો હતો.ફારુખી અને ગુર્દેઝીના જણાવ્યા અનુસાર, ઇસ્લામના પયગંબરે આ મૂર્તિઓ નષ્ટ કરવાની સૂચના આપી હતી, પરંતુ મનાતની મૂર્તિને ત્યાંથી ગુપ્ત રીતે ગુજરાતના દરિયાકાંઠાના પ્રાચીન કાઠિયાવાડ પ્રદેશમાં મોકલવામાં આવી હતી અને જ્યાં લોકો મૂર્તિપૂજા કરતા હતા.ઇતિહાસકાર રોમિલા થાપરે તેમના પુસ્તક ‘સોમનાથઃ ધ મેની વૉઇસ ઑફ હિસ્ટ્રી’માં નોંધ્યું છે કે “મનાતની પૂજા લાંબા કાળા પથ્થરના સ્વરૂપમાં કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ ક્યાંક છે. જોકે, અરેબિયામાં તેની મૂર્તિઓ સ્ત્રીના સ્વરૂપમાં મળી આવી હતી. આ ઇતિહાસકારો સોમનાથ મંદિરમાં કાળા પથ્થરના સ્વરૂપમાં ઊંચા ‘શિવલિંગમ’ને જોઈને કદાચ ગૂંચવાઈ ગયા હશે અથવા એ તેના પરના હુમલાને વાજબી ઠેરવવાનો વિચાર હશે.”એ સમયગાળાના સૂફી ફરિદુદ્દીન અત્તારે લખ્યું છે કે “સોમનાથના ભક્તો એવું માનતા હતા કે તેમની મૂર્તિ એટલી શક્તિશાળી છે કે ગઝનવી તેનો નાશ કરી શકશે નહીં.”

સોમનાથ તોડવા પાછળ શો હતો ગઝનીનો હેતુ?

એ સમયના સૂફી ફરિદુદ્દીન અત્તારે સોમનાથની મૂર્તિનું શ્રેય ઇસ્લામ પૂર્વે અરેબિયામાં પૂજાતી લાત દેવીને આપ્યું હતું. અત્તારે આગળ લખ્યું છે કે મૂર્તિને તેને નષ્ટ કરવામાં આવી ત્યારે તેમાંથી પુષ્કળ પ્રમાણમાં હીરા-ઝવેરાત નીકળ્યા હતા.તેરમી સદીના ઇતિહાસકાર ઈબ્ર અલ-અશિરે તેમના પુસ્તક ‘અલ-કમલ અલ-તારીખ’માં લખ્યું છે કે સોમનાથની મૂર્તિ તોડવા પાછળનો મહમૂદનો એક હેતુ હિન્દુઓના એ દાવાને ખોટો સાબિત કરવાનો હતો કે તે અજેય છે.તેમના લખાણ મુજબ, “આ મૂર્તિની પૂજા કરવાથી લોકોને માંદગીમાંથી બેઠા થઈ જાય છે, એવું કહેવાતું હતું. મંદિર પથ્થરના પાયા પર બનાવવામાં આવ્યું હતું અને તેમાં લાકડાના 56 સ્તંભ હતા. મંદિરમાં વિશાળ મૂર્તિઓ હતી, જે શિવલિંગના સ્વરૂપમાં હતી. મંદિરમાં 1,000થી 2,000 બ્રાહ્મણો અને 300 દેવદાસી તથા સંગીતકાર મૂર્તિની સેવામાં રત હતા.”એ સમયનાં અન્ય મંદિરોની સરખામણીએ આ અતિશયોક્તિ લાગે છે.તેરમી સદીના પ્રસિદ્ધ ફારસી કવિ શેખ સાદીએ પણ તેમના વિખ્યાત પુસ્તક ‘બુસ્તાન’માં આનો ઉલ્લેખ કર્યો છે.શેખ સાદીએ તેમાં દાવો કર્યો છે કે તેમણે સોમનાથની મુલાકાત લીધી હતી. જોકે, તેનો કોઈ ઐતિહાસિક પુરાવા મળતો નથી.તેમણે લખ્યું છે, “આ મૂર્તિ હાથીદાંતમાંથી બનાવવામાં આવી છે અને અત્યંત સુંદર છે. તે મનાતની માફક સુંદર આભૂષણોથી સુશોભિત છે. આ મૂર્તિ એટલી સંતુલિત અને સારી રીતે બનાવવામાં આવી છે કે તેને જોવા સંખ્યાબંધ લોકો આવે છે.”તેરમી સદીના ઇતિહાસકાર મિન્હાજુદ્દીન સિરાજે તેમના પુસ્તક ‘તાકાબત નાસિરી’માં સોમનાથનો ઉલ્લેખ કરતાં લખ્યું છે, “મહમૂદે હજારો મંદિરોને મસ્જિદોમાં પરિવર્તિત કરી નાખ્યાં હતાં. તે સોમનાથથી મનાતની મૂર્તિને પોતાની સાથે લાવ્યો હતો અને તેના ચાર ટુકડા કરી નાખ્યા હતા. તેમાંથી બે ટુકડા ગઝનીના મહેલમાં તથા મસ્જિદમાં લગાવવામાં આવ્યા હતા અને એક-એક ટુકડો મક્કા તથા મદીના મોકલવામાં આવ્યો હતો.

કેટલી વખત તૂટ્યું સોમનાથ મંદિર?

સરદાર પટેલે 1947માં જૂનાગઢની મુલાકાત લીધી ત્યારે તેમણે સોમનાથ મંદિરની હાલત પણ જોઈ હતી. મંદિરમાં કેટલાક પથ્થરના સ્તંભ બચ્યા હતા અને તે વેરાન હતું.મહમદના આક્રમણ પછી મંદિર લાંબો સમય ખંડેર અવસ્થામાં પડી રહ્યું હતું.થાપર લખે છે કે એ પછી મુઘલ સમ્રાટ અકબરે મંદિરમાં શિવલિંગની પૂજાની છૂટ આપી હતી અને મંદિરના વહીવટ માટે અધિકારીઓ અને દેસાઈઓની નિમણૂક કરી હતી.અકબરના ઇતિહાસકાર અબુલ ફઝલ ફૈઝીએ સોમનાથનો ઉલ્લેખ કરતાં મહમૂદના આક્રમણને “કટ્ટરપંથીઓ દ્વારા પવિત્રતાની લૂંટ” ગણાવ્યું હતું.રોમિલા થાપરે લખ્યું છે કે ઔરંગઝેબે અકબરના શાસનનાં લગભગ 100 વર્ષ પછી, પોતાના મૃત્યુના એક વર્ષ પહેલાં 1706માં સોમનાથ મંદિરને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. એ પછી સોમનાથ મંદિર વેરાન પડી રહ્યું હતું.1842માં અફઘાનિસ્તાનના અભિયાનમાં બ્રિટિશ સૈન્યને ભારે નુકસાન થયું હતું. અંગ્રેજોએ વળતો હુમલો કર્યો હતો અને ગઝનીથી સુખડના લાકડામાંથી બનાવવામાં આવેલો એક દરવાજો પોતાની સાથે લાવ્યા હતા.તેમણે દાવો કર્યો હતો કે એ સોમનાથ મંદિરનું દ્વાર હતું, જેને મહમદ ગઝનવી સાથે લઈ ગયો હતો. અંગ્રેજોએ તેનો ઉપયોગ હિન્દુઓને મુસલમાનો વિરુદ્ધ ઊભા કરવા માટે કર્યો હતો.લૉર્ડ એલનબરોએ દ્વાર પાછું લાવવાની વાતને ‘અપમાનના બદલા’ તરીકે વર્ણવી હતી.લૉર્ડ બરોએ કહ્યું હતું, “તમારા પ્રેમનો બ્રિટિશ સરકારે કેવો પ્રતિભાવ આપ્યો. તેમણે તમારા સન્માનને પોતાનું સન્માન ગણ્યું છે. પોતાની શક્તિ વડે તેઓ તમારી પાસેથી સોમનાથનું દ્વાર પાછું લાવ્યા છે, જે વર્ષો સુધી અફઘાનો માટે એક સ્મારક બનેલું હતું.”એ પછી સંશોધનમાં જાણવા મળ્યું હતું કે બ્રિટિશરો દ્વારા લવાયેલા એ દ્વારનો સોમનાથ મંદિર સાથે કોઈ સંબંધ ન હતો.આઝાદી વખતે રાજ્યના મુસ્લિમ નવાબે તેને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી હતી, પરંતુ રાજ્યના બહુમતી હિન્દુઓએ એ નિર્ણય સામે બળવો કર્યો હતો. નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને દીવાને જૂનાગઢ રાજ્ય ભારતીય વહીવટી તંત્રને સોંપી દીધું હતું.

  • News Reporter

    Related Posts

    શનિ જયંતિ ક્યારે છે 26 કે 27 મે? જાણો ચોક્કસ તારીખ, સાડાસાતી પનોતી માંથી મુક્તિના ઉપાય

    શનિ જયંતિ એટલે કર્મપ્રધાન શનિ દેવનો પ્રાગટ્ય દિવસ. હિંદુ પંચાંગ મુજબ શનિ જયંતિનો તહેવાર જેઠ અમાસ તિથિ પર ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે સૂર્યદેવ અને છાયા પુત્ર શનિદેવનો…

    વિક્રમ સવંતની શરૂઆત ક્યારે થઇ અને કોણે કરી હતી? જાણો તેનો અર્થ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

    આમ તો સમગ્ર વિશ્વમાં 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસાર હિન્દુ નવવર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે. આ તારીખ દર વર્ષે બદલાય છે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *