નડિયાદ: માર્ગ સલામતીને વધુ સુદૃઢ બનાવવા તેમજ વાહનચાલકોના આરોગ્ય અને દૃષ્ટિની કાળજીને પ્રાધાન્ય આપવાના હેતુસર RTO નડિયાદ, એસ.ટી. ડેપો નડિયાદ અને સંતરામ નેત્ર ચિકિત્સાલયના સંયુક્ત ઉપક્રમે નડિયાદ એસ.ટી. ડેપો ખાતે મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં એસ.ટી. બસના ડ્રાઈવર અને કંડક્ટર, ઓટો રિક્ષા ચાલકો તેમજ ટેક્સી ચાલકો સહિત કુલ 160 વાહનચાલકોની નિષ્ણાત તબીબો દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી.આંખોની તપાસ બાદ જરૂરિયાત જણાતા 150 લોકોને મફત ચશ્મા, જ્યારે 11 લોકોને આંખમાં નાખવાના ટીપાંનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.
આંખોની યોગ્ય દૃષ્ટિ માર્ગ સલામતી માટે મહત્વપૂર્ણ
વાહન ચલાવતી વખતે સ્પષ્ટ અને યોગ્ય દૃષ્ટિ હોવી અત્યંત જરૂરી છે. દૃષ્ટિમાં થતી નાની સમસ્યા પણ વાહન ચલાવતી વખતે અકસ્માતનું જોખમ વધારી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેમ્પ દરમિયાન વાહનચાલકોને આંખોની નિયમિત તપાસ કરાવવા, દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓને અવગણવી નહીં તેમજ જરૂરિયાત મુજબ તબીબી સારવાર લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આંખોની સંભાળ માત્ર વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબત નથી, પરંતુ સુરક્ષિત વાહનવ્યવહાર અને માર્ગ સલામતીની પણ મહત્વપૂર્ણ જવાબદારી છે.
નિષ્ણાત તબીબોની ટીમે આપી જરૂરી સલાહ
કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દૃષ્ટિની તપાસ ઉપરાંત આંખ સંબંધિત વિવિધ સમસ્યાઓ અંગે જરૂરી સલાહ આપવામાં આવી હતી. જરૂરિયાત ધરાવતા વાહનચાલકોને આગળની તબીબી તપાસ અને સારવાર અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે RTO નડિયાદના ઈન્સ્પેક્ટર શ્રી એન.બી. પ્રજાપતિ, એસ.ટી. ડેપો મેનેજર શ્રી કે.કે. પરમાર તથા સંતરામ નેત્ર ચિકિત્સાલયની તબીબી ટીમ ઉપસ્થિત રહી હતી.
વાહનચાલકોને માર્ગ સલામતી અંગે અપીલ
કેમ્પના અંતે વાહનચાલકોને પોતાની આંખોની નિયમિત તપાસ કરાવવા, દૃષ્ટિ સંબંધિત સમસ્યા જણાય તો તાત્કાલિક નિષ્ણાત તબીબની સલાહ લેવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.સાથે જ પોતાની સાથે રસ્તા પરના અન્ય તમામ લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવા અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી હતી.“સારી દ્રષ્ટિ — સુરક્ષિત મુસાફરી”નો સંદેશ આપતા આ કેમ્પથી વાહનચાલકોમાં આંખોની સંભાળ અને માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.





