ઉનાળાની કડકડતી ગરમીમાં લોકો સામાન્ય રીતે ઠંડા પીણાં તરફ આકર્ષાય છે, પરંતુ ભારતમાં ચા પીવાની પરંપરા યથાવત્ રહે છે. હવે વૈજ્ઞાનિક અભ્યાસોએ પણ આ આદત પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે.ધ જર્નલ ઓફ ફિઝિયોલોજિકલ સાયન્સ અને યુરોપિયન એકેડેમી ઓફ એપ્લાઇડ ફિઝિયોલોજી જેવા અભ્યાસો મુજબ, ગરમ ચા પીવાથી શરીરમાં થર્મોજેનિક અસર થાય છે, જેના કારણે શરીરનું તાપમાન થોડું વધે છે અને પરસેવો વધે છે.પરસેવો ત્વચામાંથી બાષ્પીભવન થવાથી શરીરને ઠંડક મળે છે. એટલે કે, ચા સીધી ઠંડક આપતી નથી, પરંતુ શરીરની કુદરતી ઠંડક પ્રણાલીને સક્રિય બનાવે છે. ખાસ કરીને ગરમ અને શુષ્ક હવામાનમાં આ પ્રક્રિયા વધુ અસરકારક બને છે.
ભારત, મધ્ય પૂર્વ અને આફ્રિકાના ગરમ પ્રદેશોમાં સદીઓથી ગરમ પીણાં પીવાની પરંપરા છે, જે હવે વિજ્ઞાન દ્વારા પણ સમર્થિત થઈ રહી છે. જોકે, નિષ્ણાતો સૂચવે છે કે, ખૂબ જ ગરમ ચા પીવી ટાળવી જોઈએ, કારણ કે તે ગળા અને અન્નનળી માટે નુકસાનકારક બની શકે છે.વધુમાં, ચાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, કારણ કે તેમાં કેફીનનું પ્રમાણ હોય છે. ખાલી પેટે વધુ ચા પીવી ટાળવી તેમજ સારી ગુણવત્તાવાળી ચાનો ઉપયોગ કરવો જોઈએ. યોગ્ય પરિસ્થિતિઓમાં, ઉનાળામાં ગરમ ચા પીવી શરીરને ઠંડક આપવા માટે સહાયક સાબિત થઈ શકે છે.







