
ઓપરેશન સિંદૂર પછી બુધવારે રાત્રે 8 વાગ્યે દેશભરમાં બ્લેકઆઉટ શરૂ થયું. ગુજરાતમાં રાત્રે 7:30 થી લઈને 9:00 વાગ્યા સુધીમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બ્લેક આઉટ કરાયું હતું. આ દરમિયાન 7:30 થી 8:00 વાગ્યા દરમિયાન ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યાં જ 8:00 થી 8:30 વાગ્યા દરમિયાન રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં અને રાત્રે 8:30 થી 9:00 વાગ્યા દરમિયાન મધ્ય ગુજરાતમાં અંધારપટ છવાયું હતું.
આ સમયગાળા દરમિયાન ઘરોથી લઈને રસ્તાઓ સુધી, બધું અંધારામાં હતું. આ દરમિયાન લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ લોકો શાંત રહ્યા અને બ્લેકઆઉટ દરમિયાન એકબીજા સાથે વાત કરતા રહ્યા.
ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લગભગ 30-30 મિનિટ સુધી બ્લેકઆઉટ રહ્યો હતો. આ દરમિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે વાહનો થોડા સમય માટે રસ્તાઓ પર રોકાઈ ગયા હતા.
અમદાવાદમાં અનેક જગ્યાએ દુકાન માલિકોએ પોતાના શોરૂમની લાઈટો પણ યથાવત રાખી હતી. જોકે શહેરની કેટલીક મસ્જિદમાંથી લાઉડપીકરના માધ્યમથી તમામ લોકોને 8:30 થી 9 લાઈટ બંધ રાખીને બ્લેક આઉટ કરવા તેમજ સરકારને સહયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.