જર્મનીના કોલોન શહેરમાં રોબોટ દ્વારા યુવતી સાથે કથિત અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આશરે 1.20 મીટર ઊંચા લાલ અને સોનેરી રંગના રોબોટે એક યુવતીના નિતંબને સ્પર્શ કર્યો હોવાનો આરોપ છે. યુવતીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને રોબોટ સહિત બે મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.
ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ બહાર બની ઘટના
મળતી માહિતી મુજબ, આ ઘટના 11 ઓક્ટોબરની રાત્રે કોલોનમાં એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની બહાર બની હતી. યુવતી પોતાની 17 અને 18 વર્ષની બે બહેનપણીઓ સાથે હાજર હતી. રાત્રે આશરે 11:45 વાગ્યાથી મધરાત વચ્ચે રોબોટ પાછળથી યુવતી પાસે આવ્યો હતો. આરોપ છે કે રોબોટે યુવતીના નિતંબને સ્પર્શ કરીને અશોભનીય વર્તન કર્યું હતું.
રોબોટનું નિયંત્રણ કોણ કરી રહ્યું હતું?
આ ઘટનામાં સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે રોબોટની ગતિવિધિઓને કોણ નિયંત્રિત કરી રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, રોબોટના 16 વર્ષના માલિક અને તેના 19 વર્ષના સાથીની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રિમોટ અથવા અન્ય નિયંત્રણ પ્રણાલીની મદદથી રોબોટને જાણીજોઈને યુવતી પાસે મોકલવામાં આવ્યો હતો કે નહીં.
ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર લાઇવ કર્યાનો આરોપ
પોલીસના જણાવ્યા મુજબ, બંને યુવકોએ કથિત ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર લાઇવસ્ટ્રીમ પણ કર્યું હોવાનો આરોપ છે. યુવતીની ફરિયાદ મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ શંકાસ્પદ યુવકો નજીકમાં મળી આવ્યા હતા.
પોલીસને રોબોટ ફોક્સવેગન કારની ડિક્કીમાં છુપાવેલી હાલતમાં મળ્યો હોવાની માહિતી સામે આવી છે. અધિકારીઓએ રોબોટને બહાર કાઢીને પોતાના કબજામાં લીધો હતો. સાથે જ તપાસ માટે બંને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ તેજ કરી
કોલોન પોલીસ કથિત અયોગ્ય વર્તન, ઘટનામાં રોબોટની કામગીરી અને બંને યુવકોની સંભવિત ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. રોબોટ સ્વચાલિત રીતે કાર્યરત હતો કે તેને કોઈ વ્યક્તિ દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યો હતો, તે બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના ટેક્નોલોજીના ઉપયોગ અને તેની જવાબદારી અંગે ચર્ચા જગાવે તેવી છે. જોકે, સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને આરોપોની સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.





