રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’ની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી પ્રશંસા

નડિયાદ : પત્રકારત્વના સામાજિક દાયિત્વ અને પર્યાવરણ સંરક્ષણને એકસાથે જોડતી અનોખી પહેલરૂપે ખેડા જિલ્લાના નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત આ પહેલ હાથ ધરવામાં આવી હતી.‘પત્રકાર વન’માં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતની વિવિધ પ્રજાતિના કુલ ૨૧૧ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ અનોખી પહેલની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રશંસા કરી છે. મુખ્યમંત્રીશ્રીએ નાયબ માહિતી નિયામક શ્રી માનસીબેન દેસાઈને પાઠવેલા પ્રશંસાપત્રમાં પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનને આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત ગણાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વૃક્ષો, નદીઓ તથા અન્ય પ્રાકૃતિક સંસાધનો માનવજીવનનો અભિન્ન હિસ્સો છે અને પર્યાવરણની શુદ્ધિ તથા જાળવણીમાં વૃક્ષોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે ત્યારે નડિયાદ માહિતી ભવન ખાતે ‘પત્રકાર વન’ની રચના સરાહનીય પહેલ છે.

પત્રકારત્વ અને પ્રકૃતિ સંરક્ષણનો સંગમ

પત્રકારત્વને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે. સમાજમાં જાગૃતિ, જનહિત અને જવાબદારીનો સંદેશ પહોંચાડતા પત્રકારોએ હવે પર્યાવરણ સંરક્ષણના સંદેશને પણ પોતાની કામગીરી સાથે જોડ્યો છે. ‘પત્રકાર વન’ના માધ્યમથી ખેડા જિલ્લાના પત્રકારોએ વૃક્ષારોપણ દ્વારા પોતાના સામાજિક દાયિત્વનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.નાયબ માહિતી નિયામક શ્રી માનસીબેન દેસાઈએ જણાવ્યું હતું કે, “પ્રકૃતિ અને પત્રકારત્વ એક જ છે. પ્રકૃતિ શુદ્ધ હવા આપે છે અને પત્રકારત્વ શુદ્ધ વિચાર આપે છે.” પત્રકારોની કલમને સન્માન આપવા સાથે તેમને પ્રકૃતિ સાથે જોડવાનો આ પ્રયાસ હોવાનું તેમણે જણાવ્યું હતું.

રોપાઓની જાળવણી માટે વિશેષ આયોજન

‘પત્રકાર વન’માં વાવવામાં આવેલા રોપાઓની નિયમિત જાળવણી અને માવજત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજે વાવવામાં આવેલા રોપાઓ ભવિષ્યમાં વિશાળ વૃક્ષ બની પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

અગ્રણીઓ અને પત્રકારોની ઉપસ્થિતિ

આ પ્રસંગે મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા, જિલ્લાના જનપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ અગ્રણી પત્રકારોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રશંસાપત્રમાં ‘પત્રકાર વન’ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસોને સરાહનીય ગણાવી ભવિષ્યમાં પણ આવા ઉમદા કાર્યોમાં સહભાગી બનવા શુભકામનાઓ પાઠવી હતી.આમ, પત્રકારોની કલમથી જનજાગૃતિ અને વૃક્ષારોપણથી પ્રકૃતિનું જતન—‘પત્રકાર વન’ ખેડા જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ માટેની જનભાગીદારી આધારિત પહેલનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.

  • Related Posts

    નડિયાદ તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ. નડિયાદ ઘટક-૦૧ની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

    નડિયાદ: તાલુકા પંચાયત નડિયાદ ખાતે આઈ.સી.ડી.એસ. નડિયાદ ઘટક-૦૧ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત “પૌષ્ટિક વાનગી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં સેજા કક્ષાએ મિલેટ્સ અને THR કેટેગરીમાં પ્રથમ ત્રણ-ત્રણ સ્થાન મેળવનાર…

    કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ

    ખેડા: ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવી તેમને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) યોજના હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *