
બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની અનેક ધમકીઓ આપી હતી. આ મામલે હવે મુંબઈની વરલી પોલીસે ગુજરાતના વડોદરાથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ વ્યક્તિની વોટ્સઍપ મેસેજ દ્વારા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે પોલીસે જણાવ્યું હતું કે આરોપી મયંક પંડ્યાની પોલીસ ટીમે પૂછપરછ કરી હતી, પરંતુ પછીથી તેને નોટિસ આપીને છોડી મૂકવામાં આવ્યો હતો, કારણ કે તે માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે પત્રકારોને જણાવ્યું હતું કે તપાસ બાદ, મુંબઈ પોલીસને ખબર પડી કે ધમકીભર્યો સંદેશ વડોદરાના વાઘોડિયા તાલુકામાં રહેતા એક વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. “મુંબઈ પોલીસની એક ટીમ, વાઘોડિયા પોલીસ સાથે, સોમવારે વાઘોડિયાના એક ગામમાં શંકાસ્પદ વ્યક્તિના ઘરે પહોંચી હતી. જોકે, એવું બહાર આવ્યું કે સંદેશ મોકલનાર 26 વર્ષીય યુવક માનસિક રીતે અસ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે,” આનંદે જણાવ્યું હતું.
“મુંબઈ પોલીસે તેને હાજર થવા માટે નોટિસ આપી અને ત્યાંથી ચાલ્યો ગયો,” અધિકારીએ ઉમેર્યું. નોટિસ મુજબ, આરોપીએ જ્યારે પણ જરૂર પડે ત્યારે તપાસ માટે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવું પડશે, એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પંડ્યાએ મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સઍપ હેલ્પલાઇન પર ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, “અમે તમારા ઘરમાં ઘૂસી જઈશું અને તમને મારી નાખીશું,” અને સલમાન ખાનની કારમાં બૉમ્બ મૂકવાની ધમકી પણ આપી હતી. સંદેશમાં બિશ્નોઈ ગૅન્ગનું નામ નહોતું, પરંતુ તેનો સ્વર અભિનેતાને મળેલી અગાઉની ધમકીઓ જેવો જ હોવાનું કહેવાય છે.
સલમાનને ધમકીભર્યો સંદેશ 13 એપ્રિલના રોજ સવારે લગભગ 6:30 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. સંદેશની સામગ્રીના આધારે, વર્લી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(2) અને 351(3) હેઠળ FIR નોંધી હતી. અભિનેતા તેમજ બાન્દ્રામાં તેના ગેલેક્સી એપાર્ટમેન્ટ નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સલમાન ખાનને ભૂતકાળમાં અનેક ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. ખાનને અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કાળા હરણના કથિત હત્યા અંગે બિશ્નોઈ સમુદાયની માફી નહીં માગવા પર તેને પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી હતી.
સલમાન ખાનને જીવલેણ ધમકી મળ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર પોતાની બે તસવીરો શૅર કરી છે. આની સાથે જ સલમાન ખાનની ફિટનેસ પર ઉઠતા સવાલ પર પણ તાળાં મૂકાયા છે. સલમાન ખાન ફરીથી ફિટનેસ મોડમાં આવી ગયા છે. 59 વર્ષની ઉંમરે ઝાડ પર સરળતાથી ચડીને બધાને ઇમ્પ્રેસ કર્યા બાદ તેણે પોતાના તાજેતરના વર્કઆઉટ સેશનની કેટલીક ચોંકાવનારી તસવીરો પોતાના ચાહકો સાથે શૅર કરી છે. સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે જિમમાં પરસેવો પાડતો અને પોતાના બાયસેપ્સને બતાવતો જોવા મળે છે.