
હિંદુ ધર્મમાં ભગવાન શંકર સૌથી જલ્દી પ્રસન્ન થતા ભગવાન માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ બીલી પત્ર ભોલેનાથને સૌથી વધુ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર જળ અભિષેક સાથે બીલી પત્ર અર્પણ કરવાથી ભોળાનાથ ખુબ જ ખુશ થાય છે. ભગવાન શંકરને બીલી પત્ર અર્પણ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે અને પૈસાની કમી નથી રહેતી. પરંતુ ઘણી વખત લોકો અજાણતા જ શિવલિંગ પર ખોટી રીતે બીલી પત્ર અર્પણ કરે છે, જેના કારણે તેમને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ, શિવલિંગ પર બીલી પત્ર અર્પણ કરવાની સાચી રીત
શિવલિંગ પર બીલી પત્ર અર્પણ કરવાના ફાયદા
બીલીના વૃક્ષને તમામ સિદ્ધિઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ બીલી પત્રના ઝાડ નીચે બેસી કોઈ સ્ત્રોતનું પઠન કરે છે, તો તેનું ફળ અનેક ગણું વધે છે. આ સાથે જ તેને ભગવાન શિવને અર્પણ કરવાથી આપણા તમામ કષ્ટો સમાપ્ત થાય છે અને તમારા પર હંમેશા ભગવાન શંકરની કૃપા રહે છે.
બીલી પત્ર ક્યારે ન તોડવા
શિવપુરાણ મુજબ અમુક દિવસો પર બીલી પત્ર તોડવા જોઈએ નહી. જેમ કે, ચોથ, આઠમ, નોમ, ચૌદશ, અમાસ, સંક્રાંતિ અને સોમવારના દિવસે બીલી પત્ર તોડવાની મનાઈ છે. ઉપરોક્ત તિથિ અને દિવસ હોય તેના એક દિવસ પહેલા તમે બીલી પત્ર તોડીને રાખી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે, શિવલિંગ પર અર્પણ કરેલા બીલી પત્રને સ્વચ્છ પાણીમાં ધોઇ ફરી વાર અર્પણ કરી શકાય છે.
શિવલિંગ પર કેવા બીલી પત્ર અર્પણ કરવા
બીલી પત્રાં હંમેશા ત્રણ પાન હોવા જોઈએ. પૂજામાં ત્રણથી ઓછા પાનવાળા બીલી પત્રનો ઉપયોગ ન કરવો જોઈએ. ઉપરાંત, બીલી પત્રની દાંડીને તોડી નાંખવી, કારણ કે દાંડી જેટલી ટૂંકી તેટલું વધુ સારું માનવામાં આવે છે. બીલી પત્રના પાનને હંમેશા 3, 7, 11 અથવા 21 જેવી એકી સંખ્યામાં ચઢાવો.
બીલી પત્ર અર્પણ કરવાની સાચી રીત
ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગ પર બીલી પત્ર ચઢાવતી વખતે ધ્યાન રાખો કે તેનો મુલાયમ કોમળ ભાગ નીચેની તરફ છે. બીલી પત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમે આ મંત્રનો જાપ પણ કરી શકો છો – ‘ત્રિદલામ ત્રિગુણકારમ ત્રિનેત્રમ ચ ત્રિધાયુધમ, ત્રિજન્મપાપસંહારમ્ બિલ્વપત્રમ શિવર્પનમ || ’
આવા બીલી પત્ર ક્યારે અર્પણ ન કરવા
એક વાતનું ધ્યાન રાખો, ક્યારેય શિવલિંગ પર ગંદા અને તુટેલા બીલી પત્ર અર્પણ કરવા જોઇએ નહીં. આમ કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે.
શિવલિંગ પર બીલી પત્ર ચઢાવતી વખતે આ વાતનું રાખો ધ્યાન
બેલ પાત્રને અર્પણ કરતા પહેલા શિવલિંગને સારી રીતે ધોઈ લો. આ પછી ચંદન કે કેસરમાં ગંગા જળ મિક્સ કરીને પેસ્ટ બનાવી પાન પર ‘ઓમ’ લખો. તમે તેને લખ્યા વગર પણ આપી શકો છો.