
દેવ દિવાળીની રાત્રે 10:16 વાગ્યાની આસપાસ ઉત્તર ગુજરાતની ધરતી ભૂકંપની ધ્રુજી ઉઠી હતી. જે બાદ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ત્યાં જ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના શહેર અને ગામડાઓ દેવ દિવાળીની રાત્રે ધ્રૂજી ઉઠતા લોકોમાં ડરના મોહોલ જોવા મળી રહ્યો છે.
ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ચાણસ્માનું સેવાળા ગામ નોંધાયું
પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં રાતે 10.16 કલાકે ભૂકંપના બે હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું અને કેટલાક ભર ઉંઘમાં સૂતેલા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. ગુજરાત સિસ્મોલોજીકલ વિભાગે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ નજીક 13 કિ.મી.ના વિસ્તારમાં હોવાનું જાહેર કર્યું છે. આવેલ ભૂકંપ 4.2ની તીવ્રતાનો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. સામાન્ય તીવ્રતાના બે આંચકા હોઈ કોઈ નૂકશાનના સમાચાર મળ્યા નથી. પરંતુ લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું થવા પામ્યું છે. ભૂકંપના આંચકાઓ અનુભવાતા જ લોકો ઉંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા જયારે હોસ્પિટલો અને ઓફિસોમાં કામ કરતા તબીબો, સ્ટાફ અને દર્દીઓએ પણ ભય અનુભવ્યો હતો અને બહુમાળી બિલ્ડીંગોમાંથી દર્દીઓ પણ રસ્તા ઉપર આવી ગયા હતા.
આ ભૂકંપના આંચકા પાટણ સહિત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ અનુભવાયા છે. પાટણ જિલ્લામાં હારીજ, સમી, શંખેશ્વર, ચાણસ્મા, વાગડોદ, સહિત સમગ્ર જિલ્લામાં અનુભવાયા હતા.
તમને જણાવી દઈએ કે, વર્ષ 26 જાન્યુઆરી, 2001માં જ ગુજરાતના કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા.
ભૂકંપનું કારણ
પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે દબાણ વધે છે, પ્લેટો તૂટી જાય છે. તેમના ભંગાણને કારણે, અંદરની ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. આ પ્રક્રિયા પછી ભૂકંપ આવે છે.