
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ગુજરાત સ્થિત જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જામગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જામનગર રિફાઈનરીના કર્મચારીઓ અને તેમના પરિવારોને સંબોધતા આકાશે કહ્યું કે અમે જામનગરને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર બનાવીશું.
આકાશ અંબાણીએ કહ્યું કે અમે જામનગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર કામ કરી રહ્યા છીએ અને તેને વિશ્વના નેતા તરીકે જોવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે અમે જામનગર શૈલીમાં AI પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને 24 મહિનામાં પૂર્ણ કરીશું. આકાશ અંબાણીએ કહ્યું કે તે, ઈશા અને અનંત સાથે મળીને રિલાયન્સને આગળ લઈ જશે અને સુનિશ્ચિત કરશે કે જામનગર હંમેશા રિલાયન્સ પરિવારનું રત્ન બની રહે.
આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર ઈશા અંબાણીએ કર્મચારીઓ અને તેમના પરિવારોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન ઈશા અંબાણીએ તેમના દાદા ધીરુભાઈ અંબાણીને પણ યાદ કર્યા હતા.ઈશા અંબાણી-પિરામલે કહ્યું, આજે જ્યારે અમે જામનગરના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે હું મારા દાદાને ખૂબ જ મિસ કરી રહી છું. આ તેમનું સપનું હતું, એક સ્વપ્ન જે તેમના હૃદયમાં રહેતું હતું.
જામનગર સ્વર્ગ છે અને અમે તેને અમારું ઘર કહીને ગર્વ અનુભવીએ છીએ. ઈશાએ તેની માતા નીતા અંબાણીના જામનગરમાં આપેલા યોગદાનની પણ પ્રશંસા કરી હતી.