
અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાના લંડન જતા વિમાનને ભયાનક દુર્ઘટના નડી હતી.ક્રેશ થયા બાદ પ્રચંડ વિસ્ફોટ સાથે અગનગોળો બની ગયુ હતું એટલે પ્રવાસીઓનાં બચવાના ચાન્સ બહુ ઓછા ગણવામાં આવતા હતા.તેવા સમયે એક પ્રવાસી ચમત્કારીક રીતે બચી ગયો હતો. દુર્ઘટના બાદ જમીન પર પછડાયા બાદ આપમેળે ઉભા થઈને એમ્બ્યુલન્સ સુધી પગપાળા ગયા હતા જેનો વીડીયો વાયરલ થયો છે.
પ્રવાસીની ઓળખ રમેશ વિશ્વાસકુમાર તરીકે થઈ છે.40 વર્ષિય આ પ્રવાસી મૂળ ભારતીય હોવા છતા બ્રિટીશ નાગરીક છે તેઓ બચી ગયા તે પાછળ વિમાનની સીટીંગ વ્યવસ્થા હોઈ શકે છે.
નિષ્ણાંતોનું કહેવા પ્રમાણે બચી ગયેલા મુસાફર સીટ નંબર 11 એ પર બેઠા હતા. ડ્રીમલાઈનર વિમાનમાં ઈકોનોમી કલાસની આ સીટ બિઝનેસ કલાસની બરાબર પાછળ આવે છે. એરક્રાફટનાં પોર્ટ સાઈડમાં આ બારવાળી સીટ હોય છે. અને વિમાનનાં આગળના ભાગમાં આવે છે.
વિમાન નીચે સરકીને તૂટી પડયું ત્યારે આ બેઠક વ્યવસ્થાના આધારે જ તેમનો બચાવ થયો હોવાનું માની શકાય છે. 40 વર્ષિય બ્રિટીશ નાગરીક રમેશ વિશ્વાસકુમારનો વીડીયો પણ વાઈરલ થયો છે.જેમાં એવુ જોવા મળે છે કે તે ઈજાગ્રસ્ત હોવા છતાં જાતે ચાલીને જાય છે અર્થાત કોઈ પ્રાણઘાતક કે ગંભીર ઈજા વિના જ બચી ગયો છે.અન્ય સંખ્યાબંધ પ્રવાસીઓનાં અત્યંત ખરાબ રીતે મોત થયા હતા તેનાથી તદ્દન વિપરીત તેમનો ચમત્કારિક બચાવ થયો છે.