ખેડા જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે નડિયાદ એસ.ટી. ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત અને કપડવંજ એસ.ટી. ડેપો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં એસ.ટી. વિભાગને મળેલી અંદાજે રૂ. 14 કરોડની વિકાસલક્ષી સુવિધાઓથી વિભાગનું માળખું વધુ મજબૂત બનશે અને કર્મચારીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
એસ.ટી. વિભાગની કામગીરીમાં પરિવર્તન આવ્યું: રમણભાઈ સોલંકી
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એસ.ટી. વિભાગની કામગીરીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આજે એસ.ટી. વિભાગ નફો કરતું તંત્ર બન્યું છે અને મુસાફરોને બસ મુસાફરીનો વધુ સુખદ અનુભવ મળી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડા એસ.ટી. વિભાગને મળેલા રૂ. 14 કરોડના વિકાસકાર્યોથી માળખાકીય સુવિધાઓ મજબૂત બનશે અને કર્મચારીઓને વધુ સારી કાર્યસુવિધાઓ મળશે. મંત્રીએ એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સેવાભાવ, નિષ્ઠા તથા પ્રજાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે નડિયાદ–સારંગપુર રૂટ પર કાર્યરત બસના કર્મચારીઓની કામગીરીની પ્રશંસા પણ કરી હતી.
નડિયાદમાં રૂ. 8 કરોડના ખર્ચે નવીન વર્કશોપ બનશે
નડિયાદ ખાતે અંદાજિત રૂ. 8 કરોડના ખર્ચે 1,387 ચોરસ મીટર ક્ષેત્રફળમાં નવીન એસ.ટી. ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી આ ઇમારતમાં વિવિધ વહીવટી અને ટેકનિકલ સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
આ વર્કશોપમાં એડમિન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, વોટર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, શૌચાલય અને સ્નાનગૃહ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત વર્કર રૂમ, મહિલાઓ માટે ચેન્જિંગ રૂમ, દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ, રેકોર્ડ રૂમ અને ડિસ્પેન્સરી રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સુવિધાઓથી કર્મચારીઓને વધુ સુવ્યવસ્થિત અને અનુકૂળ કાર્યસ્થળ મળશે.
કપડવંજ વર્કશોપનું લોકાર્પણ
કપડવંજ ખાતે રૂ. 6.5 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા એસ.ટી. ડેપો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મિકેનિકલ રેસ્ટરૂમ, રેકોર્ડ રૂમ, લોકર્સ રૂમ અને એડમિન રૂમ જેવી વહીવટી તથા કર્મચારીલક્ષી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.આ ઉપરાંત બેટરી રૂમ, ટાયર રૂમ, સ્ટોર રૂમ અને ઇલેક્ટ્રિક રૂમ જેવી ટેકનિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવીન વર્કશોપના કારણે એસ.ટી. વિભાગની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે.
મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય, મહાનગરપાલિકા કમિશનર શ્રી કિરણ ઝવેરી, અગ્રણી શ્રી નયનાબેન પટેલ, એસ.ટી. વિભાગીય નિયામક શ્રી સી.ડી. મહાજન, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સંગ્રામસિંહ બારૈયા, ઇન્ચાર્જ મામલતદાર શ્રી ભાવનાબેન રબારી સહિત એસ.ટી. વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને યુનિયનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ખેડા જિલ્લામાં એસ.ટી. વિભાગને મળેલી આ નવીન સુવિધાઓથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થવાની સાથે મુસાફરોને વધુ સારી પરિવહન સેવાઓ પૂરી પાડવામાં મદદ મળશે.





