
ભારતના ડી. ગુકેશે ગુરુવારે 2024 FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે, ગુકેશ ડી. સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડી. ગુકેશને તેમની નોંધપાત્ર સિદ્ધિ માટે અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ તેને ઐતિહાસિક અને અનુકરણીય ગણાવ્યું છે.પીએમ મોદીએ તેમના X એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા ડી. ગુકેશને વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું, ગુકેશ ડી.ને તેમની અદભૂત સિદ્ધિ માટે અભિનંદન. આ તેની અનોખી પ્રતિભા, સખત મહેનત અને અતૂટ સંકલ્પનું પરિણામ છે.’ આ સાથે તે સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બની ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ ઐતિહાસિક અને અનુકરણીય છે. PM મોદીએ લખ્યું, ‘ગુકેશની જીતે માત્ર ચેસના ઈતિહાસમાં જ પોતાનું નામ નથી નોંધાવ્યું , પરંતુ લાખો યુવાનોને મોટા સપના જોવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી છે.’ આ સાથે પીએમ મોદીએ ડી. ગુકેશને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પણ પાઠવી છે.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી. ગુકેશને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, ગુકેશ, તેં સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે!
માત્ર 18 વર્ષની ઉંમરે સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવું એ અભૂતપૂર્વ સિદ્ધિ છે.’ કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘તમારો જુસ્સો અને મહેનત અમને યાદ અપાવે છે કે દૃઢ નિશ્ચયથી કંઈપણ શક્ય છે. અભિનંદન, ચેમ્પિયન!’
દિગ્ગજ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ગુકેશ ડી.ને વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા છે. આનંદે ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘આ ચેસ માટે ગર્વની ક્ષણ છે, ભારત માટે ગર્વની ક્ષણ છે, WACA માટે ગર્વની ક્ષણ છે અને મારા માટે આ ખૂબ જ અંગત ગર્વની ક્ષણ છે.