કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં સ્થિત ભારતીય કોમેડી સ્ટાર કપિલ શર્માના કેપ્સ કાફેમાં ફરી ગોળીબાર કરવામાં આવ્યો છે. એક મહિનામાં આ બીજી ગોળીબારની ઘટના છે.હુમલાખોરે ગોળીબારનો વીડિયો પણ બનાવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. ઘટના સમયે કાફે બંધ હતો. ગેંગસ્ટર લોરેન્સ અને ગોલ્ડી ધિલ્લોને ગોળીબારની જવાબદારી લીધી છે. ગોલ્ડી ધિલ્લોને સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ પણ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે સવારે 85 એવન્યુ અને સ્કોટ રોડ પર સ્થિત આ કાફેની બારીઓમાં 6 ગોળીઓના નિશાન અને તૂટેલા કાચ જોવા મળ્યા હતા. સરે પોલીસના જણાવ્યા અનુસાર, કોઈને ઈજા થઈ નથી, પરંતુ કાફેની ઇમારતને નુકસાન થયું છે.
આ કાફે થોડા સમય પહેલા જ ખોલવામાં આવ્યો હતો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં, આ ઘટના અંગે કપિલ શર્મા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ગોલ્ડીએ તેની પોસ્ટમાં શું લખ્યું.
બધા ભાઈઓને જય શ્રી રામ, સત શ્રી અકાલ, રામ રામ. હું, ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ આજે કપિલ શર્માના કેપ્સ કાફેમાં થયેલા ગોળીબારની જવાબદારી સ્વીકારીએ છીએ.
અમે તેને ફોન કર્યો હતો. જ્યારે તેણે રિંગ ન સાંભળી, ત્યારે અમારે કાર્યવાહી કરવી પડી. જો તેને હજુ પણ રિંગ ન સંભળાય, તો મુંબઈમાં ટૂંક સમયમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.








