
ભારતની મહિલા ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચમાં કીવી ટીમે જોરદાર વાપસી કરી અને આ મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડે આ મેચ 76 રને જીતી લીધી હતી.
IND-W vs NZ-W: ભારતની મહિલા ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચમાં કીવી ટીમે જોરદાર વાપસી કરી અને આ મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડે આ મેચ 76 રને જીતી લીધી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં જીત સાથે તેની ટીમે સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ શ્રેણીની તમામ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આવી સ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આગામી મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની બની રહેવાની છે. જે ટીમ આ મેચ જીતશે તે શ્રેણી પણ જીતશે.
બીજી વન-ડેની સ્થિતિ કેવી હતી?
બંને ટીમો વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચની વાત કરીએ તો આ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં તેણે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન સોફી ડિવાઈને સૌથી વધુ રન બનાવ્યા હતા. આ મેચમાં સોફી ડિવાઈને 86 બોલમાં 79 રન બનાવ્યા હતા. ઓપનર સુઝી બેટ્સે 58 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 259 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા ભારતીય મહિલા ટીમ 47.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે 76 રનથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય બેટિંગ સદંતર નિષ્ફળ જણાઈ હતી. જો કે અંતમાં રાધા યાદવ અને સાયમા ઠાકોરે આશા જગાવી હતી પરંતુ બંનેની શાનદાર ઈનિંગ્સ ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકી ન હતી.
ન્યૂઝીલેન્ડે બરાબરી કરી
ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ભારત સામે રમાયેલી મેચમાં જીત સાથે વન-ડે ક્રિકેટમાં તેની જીત અને હારના આંકડાની બરાબરી કરી લીધી છે. હવે તેની વન-ડે ક્રિકેટમાં 188 જીત અને 188 હાર છે. તેમની ટીમ આ રેશિયોમાં ઘણા સમયથી પાછળ હતી. તેણે કુલ 388 વન-ડે મેચ રમી છે. જેમાંથી 1 મેચ ટાઈ રહી હતી અને 8 મેચનું પરિણામ આવ્યું ન હતું.