
રોજિંદા ખોરાકમાંથી મળતા ચોક્કસ ઘટકોથી બ્લડપ્રેશર નિયંત્રણમાં નોંધનીય ફરક આવી શકે છે એ વાત હવે સાબિત થઈ ચૂકી છે. જોકે તાજેતરમાં કેનેડાની યુનિવર્સિટી ઑફ વોટરલૂના રિસર્ચરોએ કરેલા વૈશ્વિક અભ્યાસમાં દાવો થયો છે કે બ્રોકલી અને બનાના જેવી પોટેશિયમથી ભરપૂર ફૂડ-આઇટમ્સ ભોજનમાં પ્રચુર માત્રામાં ઉમેરવાથી બ્લડપ્રેશર નીચું લાવવામાં મદદ મળે છે.
વિશ્વમાં 30 ટકા પુખ્તોને હાઇપરટેન્શનની સમસ્યા છે. એમાંથી લગભગ પચીસ ટકા દર્દી બ્લડપ્રેશર લાઇફસ્ટાઇલ-રિલેટેડ જીવનશૈલીને કારણે હોય છે. આ પ્રકારની સમસ્યામાં ચોક્કસ પોષક ઘટકોની આપૂર્તિથી લોહીના ભ્રમણનું પ્રેશર ઘટાડી શકાય છે, જેમને પણ સિસ્ટમિક ખામી એટલે કે શરીરના અવયવોમાં કોઈ ખામી સિવાયનાં કારણોથી હાઈપરટેન્શન હોય તેમને પોટેશિયમ રિચ ડાયટથી પ્રેશરને કન્ટ્રોલમાં લાવવામાં મદદ મળે છે.
યુનિવર્સિટી ઑફ વોટરલૂના નિષ્ણાતોનું કહેવું છે કે ‘જ્યારે પણ કોઈને હાઈ બ્લડપ્રેશર હોય ત્યારે એને ઓછું સોલ્ટ ખાવાનું કહેવામાં આવે છે. આ બદલાવને કારણે સોડિયમ ઇન્ટેક કાબૂમાં આવે છે. જોકે પોટેશિયમ ખનીજને કારણે રક્તવાહિનીઓમાં લોહીનો સંચાર સરળ બને છે.એટલે સોડિયમ ઘટાડવાની સાથે પોટેશિયમ વધારવું જરૂરી છે. એ માટે બનાના અને બ્રોકલી જેવા નેચરલ ઘટકોથી બ્લડપ્રેશરમાં ફાયદો જોવા મળે છે. રોજના ભોજનમાં બનાના અને બ્રોકલી જેવાં પોટેશિયમ રિચ ફૂડનો સમાવેશ કરવાથી હાઇપરટેન્શનની દવાઓના ડોઝમાં પણ ઘટાડો થઈ શકે છે.