
ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) હજુ પણ એક ભારતીય વ્યક્તિને શોધી રહી છે જે 10 વર્ષ પહેલાં તેની પત્નીની હત્યા કરીને અમેરિકામાંથી ફરાર થઈ ગયો છે. આ ગુજરાતી વ્યક્તિનું નામ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ છે. એટલું જ નહીં પટેલનું નામ 2015ના હત્યા કેસમાં 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની FBIની યાદીમાં પણ છે.
એફબીઆઈએ આજે ફરી પટેલના ઠેકાણાની માહિતી માટે અપીલ કરી હતી. તેને હથિયારધારી અને અત્યંત જોખમી પણ જાહેર કરવામાં આવ્યો છે.એફબીઆઈ તપાસ એજન્સીએ X પર પોસ્ટ કરી છે, “વોન્ટેડ – સશસ્ત્ર અને અત્યંત જોખમી! 10 મોસ્ટ વોન્ટેડ પૈકીના એક ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલને શોધવામાં FBIને મદદ કરો. જો તમારી પાસે પત્નીની હિંસક હત્યામાં ફરાર 34 વર્ષીય પટેલ વિશે કોઈ માહિતી હોય, તો એફબીઆઈનો સંપર્ક કરો.
એટલું જ નહીં, એફબીઆઈએ પટેલની ધરપકડ વિશે માહિતી આપનાર માટે $250,000 ઈનામની જાહેરાત પણ કરી છે.
એફબીઆઈના જણાવ્યા અનુસાર, પટેલે 12 એપ્રિલ, 2015ના રોજ તેની પત્નીને ચાકુ મારીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. તે સમયે તેઓ પેર્ની મેરીલેન્ડના હેનોવરમાં મીઠાઈની દુકાનમાં કામ કરતા હતા. પટેલ પર બાદમાં ફર્સ્ટ ડીગ્રી મર્ડર, સેકન્ડ ડીગ્રી મર્ડર, ફર્સ્ટ ડીગ્રી એસોલ્ટ, સેકન્ડ ડીગ્રી હુમલો અને ઈજા કરવાના ઈરાદા સાથે ખતરનાક હથિયાર રાખવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
હત્યાનું કારણ શું?
તપાસ અધિકારીઓનું માનવું છે કે પટેલ અને તેની પત્ની પલક વચ્ચે ઝઘડો થયો હતો. તેમના વિઝાની મુદત એક મહિના પહેલા પુરી થઈ ગઈ હતી. તેથી પલક ભારત પરત ફરવા માંગતી હતી, જ્યારે પટેલ અમેરિકામાં જ રહેવા માંગતો હતો. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.